વાંસદા તાલુકાના ખેડૂતોનો જીવાદોરી સમાન કેલીયા ડેમમાં વરસાદી પાણીની આવક થતાં 71.47 ટકા ભરાઇ ગયો હતો. જેને પગલે ડેમના નીચેવાળા ગામોને ચેતવણી જાહેર કરી ડેમ વિસ્તારની નદીના પટમાં નહીં જવા સૂચન કરાયા હતા. વાંસદા તાલુકાના ખેડૂતોનો જીવાદોરી સમાન કેલીયા ડેમ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ ખાબકતા નદી-નાળા છલકાયા બાદ નદીઓમાં નવા નીર આવતા કેલીયા ડેમમાં પાણીની આવક શરૂ થઇ હતી. જેને પગલે કેલીયા ડેમ 71.47 ટકા ભરાઇ ગયો હતો. જેથી કેલીયા ડેમ વિસ્તારના નીચેના 23 ગામોના લોકોને ચેતવણી જાહેર કરી ડેમના હેઠવાસ ખરેરા નદીના પટમાં અવરજવર નહીં કરવા ચેતવણી આપવામાં આવી હતી.

કેલીયા ડેમની ઓવરફ્લો સપાટી 113.40 છે, જેની સામે બુધવારે સાંજે 5 કલાકે 110.75 મીટર 71.47 ટકા ડેમમાં પાણી ભરાયો હતો. ડેમમાં વરસાદ ચાલુ રહેતા પાણીની આવક શરૂ છે અને આવી જ રહેશે તો ડેમ ટૂંક સમયમાં 80 ટકા ભરાવાના શક્યતા વર્તાઇ રહી છે. 80 ટકા પાણી ભરાશે ત્યારે નીચેવાળા વિસ્તારના 23 ગામોને એલર્ટ કરવામાં આવશે.

ડેમ ઓવરફ્લો થાય તો આ ગામને મુશ્કેલી સાવચેતી માટે જાહેર કરાયેલા વાંસદા તાલુકાના કેલીયા, ચીખલીના કાકડવેલ, માંડવખડક, વેલણપુર, ઘોડમાળ, કણભઇ, સિયાદા, મોગરાવાડી, આમધરા, ઘેજ, મલિયાધરા, સોલધરા, પીપલગભાણ, ધોલાર, કલિયારી , વલવાડા, તેજલાવ તથા ખેરગામનું વાડ અને ગણદેવીના ઊંડાચ, ગોયંદી, વાઘરેચ, ખાપરવાડા અને દેસરા મળી 23 ગામને સાવચેતી માટે જાહેર કર્યા હતા