ડાંગ: સુબીર તાલુકાના ઉંગા ગામના આધેડનો ચેકડેમ પરથી પગ લપસી જતા પૂર્ણા નદીના ધસમસતા પ્રવાહમાં તણાઇ ગયા હતા. ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના ઉગા ગામનો રહેવાસી ગુલસીંગ પવાર (ઉ.વ. 56) મંગળવારે બપોરે તેના પુત્ર ઈલમ સાથે ગામ નજીક ચેકડેમ પરથી પૂર્ણા નદી ઓળંગી રહ્યાં હતા. દરમિયાન ગુલસીંગ પવારનો પગ લપસી જતા તે ચેકડેમ પરથી નદીના ધસમસ્તતા પ્રવાહમાં તણાઈ ગયો હતો.
આ વાતની જાણ નજીકના રહીશો તેમજ સુબીર પોલીસને થતા સુબીર પીએસઆઇ કે.જી. ચૌધરી તેમની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવી નદીમાં તેમની શોધખોળ આદરી હતી. મોડી સાંજ સુધી શોધખોળ બાદ પણ ગુલસીંગ પવારનો પત્તો નહીં લાગતા પરિવારજનોમાં દુઃખની કાલીમા પથરાઈ ગઈ હતી.