વલસાડ: ‘‘ સિધ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય’’ ઉક્તિને વલસાડ જિલ્લાના વાપી ખાતે રહેતા મધ્યમવર્ગના પરિવારના યુવકે સાર્થક કરી બતાવી છે. 19 વર્ષીય રણવીર અજય સિંઘે દુબઈ ખાતે રમાયેલી એશિયન જુનિયર એથ્લેટીક્સ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડળ મેળવી વલસાડ જિલ્લાનું નામ સમગ્ર એશિયામાં ઝળહળતુ કર્યુ છે.

વાપી ખાતે ડુંગરામાં ગુરૂદ્વારા નજીક લેકવ્યુ રેસિડેન્સીમાં રહેતા ખેલાડી રણવીરના પિતા અજયસિંઘ જય કેમિકલ કંપનીમાં નોકરી કરે છે. તેમને સંતાનમાં 3 પુત્ર એક 1 એક પુત્રી છે. તેમનો 19 વર્ષીય પુત્ર રણવીરે પ્રાથમિક શિક્ષણ વાપીની સેન્ટ જોસેફ સ્કૂલમાં મેળવ્યુ હતું. ત્યારબાદ અમદાવાદમાં સંસ્કારધામમાં ધો. 6 થી 8, ત્યારબાદ નડીયાદમાં ધો. 8 થી 10 અને દેવગઢમાં ધો. 11 અને 12 સુધીનું શિક્ષણ મેળવ્યું હતું. રણવીરને બાળપણથી જ સ્પોર્ટસ પ્રત્યે રૂચિ હોવાથી તેમાં જ કારર્કિદી બનાવવા માટે હાલ આણંદ ખાતે બેચલર ઓફ ફિઝિકલ એજ્યુકેશન સ્પોર્ટસ (બીપીએસ) કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે. સ્પોર્ટસમાં રસ ધરાવનાર રણવીર સિંઘે તાજેતરમાં દુબઈ ખાતે યોજાયેલી એશિયન જુનિયર એથ્લેટીક્સ ચેમ્પિયનશીપમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. જેમાં 3000 મીટર સ્ટીપલ ચેઝ સ્પર્ધા 9:22:67 સેકન્ડમાં પુરી કરી ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ગેમ્સમાં ગુજરાતે પ્રથમવાર ગોલ્ડ મેડલ જીતતા દુબઈની ધરતી પર આ ક્ષણ વલસાડ જિલ્લા સહિત સમગ્ર ગુજરાત અને ભારત માટે ગર્વની ક્ષણ બની હતી.

ખેલાડી રણવીર સિંઘે માહિતી ખાતા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, સ્પોર્ટસમાં દેશ માટે ગોલ્ડ મેડલ લાવવાનું મારૂ બાળપણનું સપનુ હતું. જેને સાકાર કરવા માટે દિવસ રાત મહેનત કરી હતી. સ્ટીપલ ચેઝમાં 3000 મીટર સુધીની દોડના ટ્રેક પર અનેક જગ્યા પર વોટર જમ્પ અને 3 મીટર સુધીના ઉંડા ખાડા કૂદીને ટ્રેક પાર કરવાનું હોય છે. જે માટે રોજના 8 કલાક સુધી પ્રેકટીસ કરતો હતો. મારી આ સફળતા પાછળ મારા પિતા અજય સિંઘ અને કોચ રિડમલ સરનું ખૂબ જ મહત્વનું યોગદાન છે. હવે વર્ષ 2028માં યોજાનાર ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી દેશ માટે ગોલ્ડ મેડલ લાવવાનું મારૂ સપનુ છે. જેને પુરૂ કરવા માટે હાલમાં સાપુતારા ખાતે પ્રેકટિસ કરી રહ્યો છું.

રણવીરે આ ગેમ્સમાં એશિયન કંટ્રીના 23 જેટલા સ્પર્ધકોને માત આપી આ ઝળહળતી સિધ્ધિ મેળવી છે. હવે આગામી ઓગસ્ટ માસમાં પેરૂ ખાતે યોજાનાર વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભાગ લેવા માટે તડામાર તૈયારી કરી રહ્યો છે. એશિયન જુનિયર ગેમ્સમાં સ્ટીપલ ચેઝમાં ગુજરાતે પ્રથમ વાર ગોલ્ડ મેડલ મેળવ્યો છે.