સાગબારા: નર્મદા જિલ્લામાં સરકારી અનાજનો સૌથી વધુ કાળો કારોબાર જો ક્યાંક ચાલતો હોય તો તે સાગબારા તાલુકાના સેલંબા ખાતે ચાલે છે. ત્યારે આજે સેલંબામાં 100 ક્વિન્ટલ સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું છે અને CCTV ના આધારે પોલીસ તપાસ ચાલુ થઇ ગઈ છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે અહીંનો એક વેપારી વર્ષોથી સાગબારા સહિત નજીકના ડેડીયાપાડા, સુરત જિલ્લાના ઉમરપાડા, સોનગઢ, કુકરમુંડા, નિઝર અને મહારાષ્ટ્ર રાજ્યના અક્કલકુવા સહિતના અનેક તાલુકાઓમાંથી સરકારી અનાજનો જથ્થો ગરીબોના મોઢામાંથી છીનવી લઈને બે નંબરમાં ઓછી કિંમતે ખરીદી કરીને ઊંચી કિંમતે સુરત, નવસારી જેવા વિસ્તારોમાં મમરા,પૌવા બનાવતી ફેક્ટરીઓમાં ખુલ્લેઆમ સપ્લાય કરે છે. છતાં નર્મદા, ભરૂચ ,તાપી કે પછી સુરત અને નવસારી જિલ્લાનું પ્રશાસન કે પછી ગાંધીનગરના અધિકારીઓ પણ તેનું કઈ બગાડી શકતા નથી તેની પાછળ શું કારણ છે તે તો પ્રશાસન જ જાણે ? રાત દિવસ કાળી મજૂરી કરીને ભેગા કરેલા રૂપિયાથી જો ગરીબોને મફત કહો કે પછી સસ્તા ભાવે સરકારી અનાજ ખરીદી શકતા ન હોય તો પછી ગરીબો માટે સરકારી અનાજનું વેચાણ કરાતું કેમ હશે ? શુ આવો કાળો કારોબાર કરવા ? ત્યારે ગઈકાલે આવા જ સરકારી અનાજના જથ્થાને સગેવગે કરી રહેલ એક ટેમ્પો સાગબારા તાલુકાના સેલંબા ખાતે એક વેપારી કે જે વર્ષોથી સરકારી અનાજનો બે નંબરનો ધંધો કરે છે તેના ગોડાઉનમાં ખાલી કરતા રંગેહાથ ઝડપાઈ જવા પામ્યો છે.

આ ઘટનાને લઈને સરકારી અનાજના કાળા બજાર કરતા નાના મોટા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. સરકારી અનાજનો જથ્થો સગેવગે કરાઈ રહ્યાની ફરિયાદ કરનાર જાગૃત પત્રકાર ગૌતમકુમાર જીવણલાલ ડોડીયા આપી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમને બાતમી મળેલ કે, સાગબારા તાલુકામાં સરકારી અનાજ સગેવગે કરવાનું કોભાંડ ચાલી રહયુ છે, જે બાતમીના આધારે સેલંબાના પાંચપીપરી રોડ ખાતે આવેલ એક ગોડાઉનની પાછળના ભાગે તપાસ કરતાં ત્યાં ટેમ્પો નં GJ-22-T-1181 ઉભો હતો. આ ટેમ્પામાં સરકારી ઘઉંનો જથ્થો ઉતારીને ટેમ્પાની સામેના ગોડાઉનમાં ખાલી કરાતો હતો.એ જોઈને અમે તાત્કાલિક સાગબારા મામલતદારને ટેલીફોનીક ફરિયાદ કરતા ત્યાંના સર્કલ ઑફિસર અન્ય સ્ટાફ સાથે આવ્યા અને ત્યાં તપાસ કરતા ટેમ્પો માલિક/ચાલક ટેમ્પો મૂકી નાશી છૂટયા હતા.

ગોડાઉન અને ટેમ્પોમાં અધિકારી એ તપાસ કરતા બંને જગ્યા પરથી કુલ 100 ક્વિન્ટલ સરકારી ઘઉંનો જથ્થો સગેવગે કરવાનું કૌભાંડ ચાલતું હોવાનું જોવા મળ્યું અને એને અધિકારી એ પકડી પાડ્યું હતું. સરકારી અનાજ સગેવગે કરનાર વ્યક્તિઓ ઘઉંના કંતાન પર સરકારી લેબલ હોવાથી તેને ઉલ્ટા કરી લેબલ અંદરના ભાગે કરી ઘઉંનો જથ્થો ભરતા હતા. આ ટેમ્પો સરકારી અનાજ જાહેર વિતરણ કરતો હોવાના પણ અંદરથી પુરાવા મળી આવ્યા છે, ટેમ્પોમાં જીપીએસ લાગેલું છે પણ એ બંધ છે કે ચાલુ તે જાણી શકાયું નથી. આ ટેમ્પો સરકારી અનાજ ભરીને ક્યાં ક્યાં ગયો છે તેની તપાસ માટે CCTV કેમેરા ચેક કરવા પણ ફરિયાદમાં જણાવ્યું છે. આ કૌભાંડમાં સરકારી અધિકારીઓની પણ સંડોવણી હોવાની શંકા લાગી રહી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. આ સરકારી અનાજ આપતા ટેમ્પોનો પરવાનો રદ કરવા પણ ફરિયાદીએ માંગણી કરી છે. તો શું આ લાખોનું સરકારી અનાજ સગેવગે કરવાના કૌભાંડમાં અધિકારી તટસ્થ તપાસ કરી વર્ષોથી આ વેપલો કરતા સ્થાનિક વેપારી સામે કડક કાર્યવાહી કરશે કે પછી અધિકારી પોતાના અંગત ફાયદા માટે ભીનું સંકેલશે એ જોવું રહ્યું..