વઘઈ: ડાંગના નાયગ્રા તરીકે ઓળખાતો આંબાપાડા (વઘઇ)નો ગીરાધોધ ખાસ કરીને ચોમાસામા ડાંગ અને સાપુતારાના પ્રવાસીઓની પહેલી પસંદ છે. સાપુતારાની સહ્યાદ્રિ પર્વતમાળામાંથી નીકળી અરબ સાગર સુધી પહોંચતી અંબિકા નદી, અહીં ત્રણસો ફૂટના વિશાળ પટમા, શાંત અને ધીર ગંભીર સ્વરૂપે વહે છે. જે નદી અહીં કાળમીંઢ શિલાઓ ઉપરથી સો ફૂટ નીચે જ્યારે ખાબકે છે ત્યારે, અહીં આવતા પર્યટકોને ભેડાઘાટના ધુંઆધાર વોટરફોલની યાદ અપાવી જાય છે.

ગીરાધોધ પાસે જાઓ, તો હવા સાથે સો ફૂટ ઊંચેથી નીચે ખાબકતા જળપ્રપાતમાંથી ઉડતી પાણીની બુંદ, ધૂમ્રશેર તમને ચોક્કસ જ ભીંજવી નાખે. અંબિકા નદીનુ આ મનમોહક અને અતિ રમણીય દ્રશ્ય જોવા, જાણવા, અને માણવા માટે ખાસ કરીને ચોમાસાની ઋતુમા અહીં પર્યટકોનો મેળાવડો જામે છે. પ્રકૃતિના ચાહક એવા પર્યટકોની અહીંની મુલાકાત તેમના માટે એક યાદગાર સંભારણુ બની રહે છે.

ગીરાધોધ ખાતે આવતા હજ્જારો પર્યટકોને સ્થાનિક ચીજવસ્તુઓ સહિત ખાણીપીણીની સુવિધાઓ પણ સરળતાથી મળી રહે છે.  અહીં આવતા પર્યટકોને ગીરાધોધ, અને નદીમા ન્હાવા કે ઉતરવાની મનાઈ ફરમાવી છે. ભૂતકાળમા અહીં એક બે નહિ, પુરા બાવીસ લોકો તેમનો અમૂલ્ય જીવ ગુમાવી ચુક્યા હોવાની વિગતો પણ અહીં દર્શાવાઇ છે. તમે ડાંગ જિલ્લાની યાદગીરીરૂપે વાંસની વિવિધ બનાવટો જેવી કે રમકડા અને શો પીસ સહિત નાગલી અને તેના વિવિધ ઉત્પાદનોની ખરીદી કરી શકો છો.

વઘઇના આ ગીરાધોધ ઉપરાંત ગુજરાતનો સૌથી ઊંચો સુબિર તાલુકાના ગિરમાળ ગામનો ગિરમાળ ધોધ પણ પ્રવાસીઓનો માનીતો અને ચહિતો ધોધ છે. ત્રણસો ફૂટની ઊંચાઈએથી નીચે ખાબકતો જળપ્રપાત પર્યટકોને રૌદ્ર અને રમ્ય અહેસાસ કરાવે છે. આવા માદક અને મનમોહક માહોલને માણવું હોય તો પ્રાકૃતિક ડાંગ જિલ્લો તમને સાદ દઈ  રહ્યો છે. વરસાદી વાયરાની વચ્ચે ચોમાસાની હેલીથી તરબતર વનસૃષ્ટિમાં ડુંગરા ખૂંદવા માટેની ચાહ હોય, તેને માટે આ બધી રાહ આસાન છે ! આ જળધોધની મુલાકાત લઇને પ્રકૃત્તિના નજારાને મનભરીને માણવાનું તો સૌને ઇજન છે જ.