રાજપીપલા: પદમભુષણ શ્રી રામ સુતાર દુનિયાના અગ્રણી શિલ્પકાર છે, તેઓશ્રીએ 93 વર્ષની ઉંમરે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પને આકાર આપ્યો હતો, વર્ષ 2018માં સ્ટેચ્યુ ઓફ યુનિટીના રાષ્ટ્રાર્પણ વેળાએ પધારેલા શ્રી રામ સુતાર પોતાના સુપુત્ર શ્રી અનિલ સુતાર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીના દર્શને પધાર્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી સતામંડળ દ્વારા અભુતપૂર્વ સ્વાગત કરવામાં આવ્યુ હતુ કોફીટેબલ બૂક અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ આપીને સન્માન પણ કર્યુ હતુ.

શ્રી સુતારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની 45 માળની ઉંચાઈએ આવેલી વ્યુઇંગ ગેલેરી એટલે કે, સરદાર સાહેબના હ્રદયસ્થાનેથી સરદાર સરોવર નર્મદા ડેમ અને વિધ્યાંચલ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય પણ નિહાળ્યું હતું. વિશ્વમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસનના કેન્દ્રબિંદુ તરીકે ઉભરી આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન કક્ષ સહિત સરદાર સાહેબના જીવન-કવનની તસવીરી ઝલક તેઓશ્રીએ નજરે નિહાળી હતી. શ્રી સુતારે વેલી ઓફ ફલાવર, કેકટસ ગાર્ડન અને શ્રેષ્ઠ દ્રશ્યમની મુલાકાત કરી હતી.

• શ્રી રામ સુતાર વિશે..
શ્રી રામ વાનજી સુતારનો જન્મ 19 ફેબ્રુઆરી 1925ના રોજ મહારાષ્ટ્રના ધુલે જિલ્લાના ગોંડુર ગામમાં વિશ્વકર્મા પરિવારમાં થયો હતો. જે.જે. સ્કૂલ ઓફ આર્ટ મુંબઇથી સુવર્ણ ચંદ્રક વિજેતા છે. રામ સુતાર કાંસ્યમાં સરળતા અને નિપુણતા સાથે કામ કરે છે. તેઓ વાસ્તવિક શિલ્પોમાં નિપુણતા ધરાવે છે.

• શ્રી રામ સુતારના મહત્વપૂર્ણ કાર્યો..
શ્રી સુતારે ગુજરાતમાં સ્થિત વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને આકાર આપ્યો હતો તેમણે 45 ફૂટ ઊંચું ચંબલ સ્મારક, તેમજ મહાત્મા ગાંધીની પ્રતિમા પણ ઉભી કરી હતી,તેઓએ ભારતની સંસદમાં સ્થિત મહાત્મા ગાંધીની પ્રતિમાને બેઠેલી સ્થિતિમાં આકાર આપ્યો હતો, તેઓ બેંગલુરુ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 108 ફૂટ ઊંચી કેમ્પે ગૌડાની પ્રતિમાના પણ શિલ્પકાર છે.

•શ્રી રામ સુતારને મળેલ પુરસ્કારો..
તેમના કળાક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાનને ધ્યાને લેતા ભારત સરકાર તરફથી વર્ષ 1999માં પદ્મશ્રી અને બાદમાં વર્ષ 2016માં પદ્મ ભૂષણ મળ્યો હતો. વર્ષ 2018માં શ્રી રામ સુતારને ટાગોર એવોર્ડ મળ્યો હતો.