કપરાડા: મધ્યપ્રદેશના રાજ્યપાલશ્રી મંગુભાઈ પટેલના વરદ હસ્તે કપરાડા તાલુકાના વરવઠ ખાતે શ્રી જનતા જનાર્દન કેળવણી મંડળ સંચાલિત શ્રી નવસર્જન સાર્વજનિક હાઈસ્કુલ, વરવઠ ખાતે રૂ. 40 લાખના ખર્ચે બનેલા બે બહુપયોગી સભાખંડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાજ્યપાલશ્રી મંગુભાઈ પટેલે શ્રી જનતા જનાર્દન કેળવણી મંડળના પ્રમુખશ્રી માધુભાઈ રાઉતના શિક્ષણ પ્રત્યેના કાર્યોને બિરદાવતા કહ્યું હતું કે, આદિવાસી બાળકોના શિક્ષણની ચિંતા કરવી એ ખૂબ જ મોટી વાત છે. આ વિસ્તારના બાળકોને જ્યારે ભણતાં જોઉં છું ત્યારે ખુશી અનુભવાય છે. શિક્ષણ કાર્યો બદલ માધુભાઈને અભિનંદન પાઠવું છું. આ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પણ ધોરણ 12 ના 100% પરિણામ બદલ અભિનંદન છે. શિક્ષણ આજે બહુ જ મહત્વનું બની ગયું છે.

કહેવાય છે કે પ્રગતિની પારાશીશી એ શિક્ષણ છે. શિક્ષણ વિનાનો માણસ અંધ બરાબર છે. આજે શિક્ષણનું સ્તર ઉંચું જઈ રહ્યું છે. તેથી હોંશિયાર અને સક્ષમ બની અભ્યાસ કરવાની ખુબ જરૂર છે. શિક્ષણમાં વધુ ધ્યાન આપી સમયસર કાર્યક્રમ બનાવી અભ્યાસ કરવો. અનેક લોકો શિક્ષણ માટે આગવું કાર્ય કરી રહ્યા છે તેથી ભણવું ખુબ જ જરૂરી છે. બીજાના નહિં પણ આપણા પોતાના જીવનના વિકાસ માટે અભ્યાસ કરવો અનિવાર્ય છે. બુદ્ધિશક્તિનો જીવનમાં કેવી
રીતે ઉપયોગ કરવો, જીવનમાં કેવી રીતે આગળ વધવું તેની સમજ ભણતરથી જ મળે છે. પહેલા કપરાડાના વિસ્તારોની જે પરિસ્થિતિ જોઈ હતી તે હવે નથી. ઘણો સારો વિકાસ થયો છે. બાળકોએ ધ્યાન રાખવું કે વર્ષોના અને અનેક લોકોના પ્રયાસ થકી આ પરિસ્થિતિમાં સુધારો આવ્યો છે. આ વિકાસ જોઈને મનને સંતોષ થાય છે.

કાર્યક્રમમાં રાજ્યપાલશ્રી મંગુભાઈ પટેલે શિક્ષણક્ષેત્રે ખુબ સારા કાર્યો કરવા બદલ શ્રી માધુભાઈ રાઉતનું પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું હતું. વરવઠ ગામના લોકોએ આદિવાસી પરંપરાગત વાજિંદ્ર આપી રાજ્યપાલશ્રીને વધાવ્યા હતા. કાર્યક્રમમાં કપરાડા ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરી, ધરમપુર ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી હીરાબેન માહલા, જિલ્લા સંગઠન પ્રમુક હેમંત કંસારા, તાલુકા અને ગામના અગ્રણીઓ, શાળા આચાર્ય સંજયભાઈ ભોયા, શાળાના બાળકો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.