ગુજરાત: હાલમાં જ ગુજરાત સરકારી પ્રાથમિક સ્કૂલોમાં ફરજ બજાવતા શિક્ષકો અને મુખ્ય શિક્ષકોને શિક્ષણ વિભાગ હસ્તકના પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા સરકારી પ્રાથમિક શિક્ષકો અને મુખ્ય શિક્ષકોને જંગમ અને સ્થાવર મિલકત સંબંધી ડિક્લેરેશન ફોર્મ ભરવા માટે આદેશ કર્યો છે.

પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા કરવામાં આવેલા પરિપત્રમાં જણાવાયું છે કે, શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલી
સુચના મુજબ રાજય સ્તરે પંચાયત સેવા વર્તણૂક નિયમોમાં કરવામાં આવેલી જોગવાઈ મુજબ પંચાયતના દરેક કર્મચારી/ પ્રાથમિક શિક્ષક દ્વારા જંગમ, સ્થાવર મિલકત સંબંધી ડિકલેરેશન ફોર્મ ભરવામાં આવે તે સુનિશ્ચિત કરવા જણાવાયું છે. જેના પગલે હવે રાજ્યની તમામ સરકારી પ્રાથમિક સ્કૂલોના શિક્ષકો અને આચાર્યોને મિલકતો જાહેર કરવા માટે આદેશ થયો છે.

ગુજરાત પંચાયત સેવા વર્તણૂક નિયમો-1998ના નિયમોમાં જંગમ સ્થાવર મિલકત સંબંધી જોગવાઈ કરવામાં આવેલી છે. જેમાં નિયમ 20 (1)(ક)ની જોગવાઈ અનુસાર, પંચાયતના દરેક કર્મચારીએ, કોઈ પણ સેવા અથવા જગા પર પોતાની પ્રથમ નિમણૂક વખતે વારસામાં મેળવેલી માલિકીની તેના પોતાના નામે અથવા તેના કુંટુંબના કોઇ પણ સભ્યને નામે અથવા બીજી કોઈ પણ વ્યક્તિના નામે પટેથી અથવા ગીરોથી તેણે સંપાદન કરેલી અથવા ધરાવેલી સ્થાવર મિલકત સંબંધી પુરી વિગતો આપતા સરકાર ઠરાવે તેવા પત્રકમાં જિલ્લા પંચાયતને પોતાની જંગમ અકસ્માયતોનું પત્રક સાદર કરવું જોઇશે.

જ્યારે નિયમ 20 (1) (ખ) અનુસાર, પંચાયતના દરેક નોકરે જે વર્ષમાં તે પાંચના પૂર્ણ ગુણાંકની ઉંમરનો થાય એટલે કે યથાપ્રસંગ 25, 30, 35 વગેરેથી 25 અથવા 60 વર્ષની ઉંમરનો થાય તે દરેક વર્ષના અંતે પેટા ખંડ(ક)માં ઉલ્લેખ માહિતી પુરી પાડવી જોઈશે. આમ, આ બંને જોગવાઈને ધ્યાને રાખીને રાજયની સરકારી પ્રાથમિક શાળાઓમાં કાર્યરત તમામ પ્રાથમિક શિક્ષક અને મુખ્ય શિક્ષક દ્વારા ડિકલેરેશન ફોર્મ ભરવામાં આવે તે માટે આદેશ કરવામાં આવ્યો છે. શિક્ષકો દ્વારા આ ફોર્મ ભરવામાં આવે તે જિલ્લા કક્ષાએથી સુનિશ્ચિત કરવાનું રહેશે તેમ પણ પત્રમાં જણાવાયું છે.