આહવા: ડાંગ જિલ્લાના સુબિર તાલુકાના ચિખલી ગામના પ્રાકૃતિક ખેતીના માસ્ટર ટ્રેનર, તેમજ પ્રાકૃતિક ખેતીના પ્રગતિશીલ ખેડુત શ્રી સુકીરાવભાઇ ગાયકવાડ, પ્રાકૃતિક ખેતીના ફાયદા અંગે જણાવે છે કે, શરૂઆતમાં પ્રાકૃતિક ખેતીના પાકમાં રોગ તથા જીવાતનો ઉપદ્રવ થાય, તો પાક નિષ્ફળ જવાની તેમજ ઉત્પાદન ઓછું મળતા નુકસાન થવાની તેઓને બીક હતી. પરંતુ 'આત્મા પ્રોજેક્ટ'ના સ્ટાફ દ્વારા તાલીમ મેળવી, પ્રાકૃતીક ખેતીના પાંચ સ્તંભ આધારીત ખેતીની શરૂઆત કરી.
DECISION NEWS ને મળેલ માહિતી મુબજ જેમાં સૌ પ્રથમ ડાંગરના દેશી બિયારણમાં લાલ કડા, કૃષ્ણ કમોદ, બ્લેક રાઈસ વગેરે દેશી બિયારણનો ઉપયોગ કરી, ખેતીની શરૂઆત કરી હતી. ધીરે ધીરે ખેતીનો વ્યાપ વઘાર્યો, અને અત્યારે તેઓ પ્રાકૃતિક ખેતી અપનાવી બમણી આવક મેળવી રહ્યાં છે. વર્ષ 2022-23 માં તેઓના અલગ અલગ પ્રકારના પ્રાકૃતિક ખેતીના પાકોથી રૂપિયા એક લાખ દસ હજારની આવક પ્રાપ્ત થઇ છે. આ સાથે જ તેઓ અન્ય ખેડુતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ પણ આપી રહ્યા છે.