વલસાડ: વાપી તાલુકાના કરાયા ગામ ખાતે તા.૦૯ જુલાઈ ૨૦૨૪ના રોજ જિલ્લા ખેતીવાડી અધિકારી, વલસાડના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કરાયા ગામના ૨૯ ખેડૂત ભાઇ-બહેનો તેમજ વિસ્તરણ અધિકારી અને ગ્રામસેવકોએ ભાગ લીધો હતો.
DECISION NEWS ને મળેલ માહિતી મુજબ તાલીમમાં ખેતીવાડી ખાતાના અધિકારી/કર્મચારીઓ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. પ્રાકૃતિક તાલીમમાં પ્રાકૃતિક કૃષિના મહત્વ વિશે સમજણ આપવામાં આવી હતી તેમજ ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેતીનાં પાંચ આયામો જેવા કે જીવામૃત, બીજામૃત, આચ્છાદન વાફસા તેમજ જંતુનાશક અસ્ત્રો પાંજરાપોળ/ગૌશાળા/ખેડૂત દ્વારા બનાવી તેનો ખેતીમાં ઉપયોગ થાય તે બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. પ્રાકૃતિક ખેત ઉત્પાદનોના વેચાણ દ્વારા સારી આવક મેળવી શકાય, જમીનનું અને મનુષ્યના સ્વાસ્થ્યનું રક્ષણ કરે છે તેમજ પ્રાકૃતિક ખેતી જમીનની ફળદ્રુપતા વધારી જમીનનું સ્વાસ્થ્ય જાળવી રાખે છે.
જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા કરાયા ગામના ખેડૂત પરાગભાઈ માવજીભાઈ પટેલ કે જેમણે કમલમ ફળ, તાઈવાની જમરૂખ, તુવર અને હળદરની ખેતી કરેલી છે તેવા પ્રાકૃતિક ખેતીના મોડેલ ફાર્મની મુલાકાત લીધી હતી.

            
		








