ઝઘડિયા: રેતીનું બેફામ રીતે ખનન કરતાં રેત માફિયા પ્રત્યે નર્મદાના ખાણ ખનીજ વિભાગ કુંભકર્ણ બની ગયા હોય એવું લાગી રહ્યું છે તેવામાં ખાણ અને ખનીજ વિભાગના ભરૂચના અધિકારી નરેશ જાની લાંચ લેતાં સુરતમાં ઝડપાઇ ગયાં છે. આ કિસ્સા પરથી ખાણ અને ખનીજ વિભાગ અને રેતી માફિયાઓ વચ્ચે કેવું સેટિંગ છે તેનો અંદાજો તમને આવી જ ગયો હશે.

આવા સમયે Decision News ને મળેલી માહિતી મુજબ હાલમાં વેલુગામ નર્મદા નદીમાં ગેરકાયેસર રેતી ખનન થઇ રહ્યાની ફરિયાદ મળતા જ ખાણ અને ખનીજ વિભાગે દરોડો પાડ્યો હતો. દરોડામાં નદીમાં રેતીખનનની ઘટના સ્થળ પર કરતાં હીટાચી મશીન અને સાત ડમ્પર કબજે કરી લેવામાં આવ્યા છે. ખાણ અને ખનીજ વિભાગના અધિકારીઓએ કહ્યું કે, જપ્ત કરવામાં આવેલાં વાહનોની કિમંત 1.75 કરોડ રૂપિયા થાય છે. આ બધા જ કબજે કરેલા વાહનો ઉમલ્લા પોલીસને સોંપી દેવાયા છે.

આ સમગ્ર ઘટનાને લઈને ઝઘડીયા મામતદારને જાણ કરવામાં આવી હતી અને મામલતદાર દ્વારા સ્થળ ઉપર હાજર રહીને કાર્યવાહી કરવામાં આવી હતી. આ રેતી ખનન કોણ કરાવી રહ્યું હતી તેની માહિતી હજુ મળી નથી, આ દિશામાં તપાસ ચાલુ છે એમ તંત્રનું કહેવું છે.