ઝઘડિયા: આજરોજ ઝઘડિયા તાલુકા પંચાયતના સભ્યએ આગામી સામાન્ય સભામાં ગૌચરની જમીન કવોરીની ખાણોના ધારાધોરણ વિગેરે બાબતના પ્રશ્નો પર ચર્ચા કરવા માટે લેખિતમાં રજૂઆત કરી તાલુકા પંચાયતના સભ્ય દિલીપ વસાવાએ આગામી સામાન્ય સભામાં 8 જેટલા પ્રશ્નો પર ચર્ચા કરવા માટે જણાવ્યું હતું.

Decision News ને મળેલી જાણકારી પ્રમાણે ઝઘડિયા તાલુકા પંચાયતની સાધારણ સભાની બેઠક આગામી 8-9 જુલાઈ 2024 ના રોજ તાલુકા પંચાયતના સભાખંડમાં રાખવામાં આવી છે. આ સાધારણ સભામાં ઝઘડિયા તાલુકા પંચાયતના સભ્ય દિલીપ વસાવાએ લેખિતમાં આઠ પ્રશ્નો આપી તેને આગામી સાધારણ સભા બેઠકમાં ચર્ચા કરી પ્રશ્નોત્તરી કરવા અને તેનો લેખિતમાં જવાબ આપવા બાબતે રજૂઆત કરી છે.

તેમણે ચર્ચા માટે..

(1) 15 માં નાણાપંચના અનુદાનમાંથી તાલુકા પંચાયત માટે 20 ટકા રકમ અને જિલ્લા પંચાયત માટે 10 ટકા રકમ આપવામાં આવે છે. તે કયા કારણથી કાપવામાં આવે છે અને ક્યાં વપરાય છે ?

(2) ઝઘડિયા તાલુકાના ગામોમાં ગીયરની જમીન પર કેટલું દબાણ છે? હાલ ગૌચરની જમીનની શું સ્થિતિ છે ?

(3) ઝઘડિયા તાલુકામાં આવેલ સંખ્યાબંધ બ્લેક ટ્રેપ કવોરીની ખાણો ધારાધોરણ તથા નિયમો વિરુદ્ધ ધમધમે છે જેમાં માઈનિંગમાં વોટર લેવલથી વધુ ખોદકામ કરી ભૂગર્ભ જળ અને પર્યાવરણને નુકસાન કરવામાં આવે છે આવી કેટલી કવોરી આવેલ છે ?

(4) ઝઘડિયા તાલુકામાં નર્મદા નદીમાં અસંખ્ય રેતીની લીઝો આવેલ છે તે રાત દિવસ રેતીનું ગેરકાયદેસર ધારાધોરણો વિરુદ્ધનું ખનન કરી રેતીની લીઝો ખાલી કરે છે. જેના કારણે પર્યાવરણને નુકસાન થાય છે

(5) ઝઘડિયા તાલુકામાં લિગ્નાઈટ, સિલિકાનુ GMDC માઈનિંગ કરે છે જે વોટર લેવલથી વધુ ખોદકામ કરી પર્યાવરણને નુકસાન કરે છે તથા માઇનિંગ કર્યા બાદ જમીન લેવલ કરી પરત આપવાની હોય છે તે આપી છે કે નહીં ?

(6) ઝઘડિયા તાલુકામાં આવેલ સિલિકા પ્લાન્ટોએ ધારાધોરણ પરત આપવાની હોય છે તે આપી છે કે નહીં ?

(7) ઝઘડિયા તાલુકામાં આવેલ GIDC માં ઉધોગોએ CSR ફંડ તાલુકામાં વિકાસના કામો માટે આપવાના હોય છે. આ CSR ફંડ કયા વિસ્તારમાં અને કેટલું ફંડ આપેલ છે ?

(8) ઝઘડિયા તાલુકા પંચાયતની વિવિધ ગ્રાન્ટો જેવી કે નાણાપંચ, ગુજરાત પેટર્ન, ATVT, આયોજન મંડળ, તાલુકા પંચાયત સ્વભંડોળ, રેતી રોયલ્ટી, DMF ફંડ, બક્ષીપંચ ગ્રાન્ટ, ધારાસભ્યની ગ્રાન્ટ, સંસદ સભ્યની ગ્રાન્ટ, CSR ફંડમાંથી ઘણી ગ્રામ પંચાયતોને વિકાસના કામો આપવામાં આવતા નથી જેનું કારણ શું ? શું ત્યાં માણસો નથી રહેતા 7 તેની માહિતી આપવા બાબત લેખિતમાં ઝઘડિયા તાલુકા પંચાયતમાં રજૂઆત કરી છે અને આગામી યોજાનાર સામાન્ય સભામાં આ પ્રશ્નોને ચર્ચામાં લઈ તેનો લેખિતમાં જવાબ માંગ્યો છે.