મોરબી: મોરબી શહેર ઉપરાંત સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે. છેલ્લા 24 કલાકમાં સાડા પાંચ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે અને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મચ્છુ 3 ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો અને મચ્છુ નદીમાં 417 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ત્યારે મોરબીના 13 અને માળીયાના 8 ગામોને એલર્ટ અપાયું છે. એવું જાણવા મળ્યું છે કે મોરબીની મચ્છુ 2 માઈનોર કેનાલનો પાળો તૂટ્યો છે. પાળો તુટતા જ આસપાસના ખેતરો પાણી પાણી થયા છે અને ખેડૂતોના પાકને પણ મોટુ નુકસાન પહોંચ્યુ છે.
બીજી તરફ ભારે વરસાદને પગલે હળવદમાં બ્રાહ્મણી નદીનો પુલ ધોવાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને મયુરનગરમાં ગ્રામજનોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે. ગ્રામજનોએ પુલનું બેસણું કરી અને રામધૂન બોલાવીને વિરોધ કર્યો છે. મયુરનગર- રાયસંગપુર વચ્ચે આવેલો નદીનો આ પુલ ધોવાયો છે, વર્ષોથી પુલ બનાવવા માટે ગ્રામજનોએ રજૂઆત કરી હતી તેમ છતાં કોઈ પગલા ભરવામાં આવ્યા નહતા. 88 ગામમાં વીજ પુરવઠો ઠપ ત્યારે રાજ્યમાં ભારે વરસાદના કારણે વીજ પુરવઠો પણ ખોરવાયો છે.
રાજ્યના 88 ગામમાં વીજ પુરવઠો ઠપ થયો છે અને લોકોને લાઈટ પંખા વગર રહેવાની ફરજ પડી છે. જો ભાવનગરમાં વરસાદને પગલે 36 ગામમાં વીજ પુરવઠો બંધ થયો છે અને કચ્છના 29 અને જુનાગઢ જિલ્લાના 16 ગામમાં વીજ પુરવઠા પર અસર થઇ છે.