વલસાડ: ગતરોજ વલસાડ જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એમ.સી. ભૂસારા સાહેબ અને કચેરીના અધિક્ષકશ્રી આર.બી.પટેલ વય નિવૃત્ત થતા તેઓના માનમાં ધોડિયા સમાજ હોલ અટક પારડીમાં વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિવૃતિ મંગલભાવના સમારંભમાં વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી માન. શ્રીમનહરભાઈ પટેલ સાહેબ, ધરમપુરના માન. ધારાસભ્યશ્રી અરવિંદભાઇ પટેલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.

ખેડૂત પિતાને ત્યાં જન્મેલ શિક્ષણ રત્ન એવા મણીલાલ સી. ભુસારા સાહેબ (મણીનો અર્થ હિરા, રત્ન, માણેક થાય)ધરમપુર તાલુકાનાં કુરગામના વતની છે. અંતરિયાળ વિસ્તાર હોય એટલે જન્મની સાથે કપાળે સંઘર્ષ લખાયેલો જ હોય છે. જે લોકો સંઘર્ષને જ સાથી માનીઆગળ વધે છે એમને એક દિવસ સફળતા અવશ્ય મળે જ છે. “કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી.” એ ઉકિતને સાર્થક કરતા ભુસારા સાહેબે બાળપણમાં માતા – પિતાને મદદરૂપ થવા ખેત મજૂરી કરી સાથે અભ્યાસ ચાલુ રાખ્યો હતો. તેઓ વિદ્યાર્થી તરીકે ખૂબ તેજસ્વી હતા. વર્ષ ૧૯૮૯માં બોર્ડની પરીક્ષામાં ધોરણ ૧૨માં રામેશ્વર ઉત્તર બુનિયાદી વિદ્યાલય બારોલિયા શાળામાં પ્રથમ ક્રમે તેમજ જિલ્લામાં બીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો. ત્યાર બાદ, B.R.S., M.R.S. કરી B.ED.(GBTC ) ગાંધી વિદ્યાપીઠ વેડછીથી બીજા નંબરે પાસ થયા હતા. વર્ષ ૧૯૯૮ થી ૨૦૦૩ માં શ્રી રંગ શિક્ષણ મહાવિદ્યાલય બીલીમોરાથી M.ED.નો અભ્યાસ પૂર્ણ કરી વર્ષ ૧૯૯૬માં પ્રથમ નોકરીની શરૂઆત વંકાલની હાઈસ્કૂલમાં મદદનીશ કૃષિ શિક્ષક તરીકે કરી હતી. ત્યાર બાદ વર્ષ ૧૯૯૮ થી ૨૦૦૦ સુધી DITE બનાસકાંઠામાં જુનિયર લેકચરર, વર્ષ ૨૦૦૦ થી ૨૦૦૭ સુધી વલસાડ DITEમાં જુનિયર લેકચરર તરીકે ફરજ નિભાવી. “શિક્ષા વો શેરની કા દૂધ હૈ જો પીએગા વો દહાડેગા.” પુસ્તકને જ પોતાનો પ્રેમ સમજતા, સતત અભ્યાસુ, આગળ વધવાની પ્રબળ ઈચ્છા શક્તિ ધરાવતા, મહેનતુ અને હિમાલય જેવા અડગ મનના, વાચન પ્રકૃતિ ધરાવતા શ્રી ભુસારાએ વર્ષ ૨૦૦૭માં GPSC દ્વારા આયોજિત ગુજરાત શિક્ષણ સેવા વર્ગ -૧ ની પરીક્ષા પ્રથમ પ્રયત્ને પાસ કરતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે વડોદરામાં નિમણુંક મળી, ત્યાર બાદ, ગુજરાત શૈક્ષણિક ટેક્નોલોજી ભવન અમદાવાદ, DEO અને DPEO તરીકે ડાંગમાં, ઈ.ચા.DEO તાપી,DEO નર્મદા તરીકે સેવા આપી તા.૦૨-૧૨-૨૦૨૪ થી ૩૦મી જૂન ૨૦૨૪ ના રોજ વલસાડ જિલ્લા શિક્ષણાધિકારી તરીકે સેવા આપી વય નિવૃત્ત થયા હતા.

લાંબી મુસાફરીનો અંત એક ડગલાંથી આવતો હોય છે. આમ ભુસારા સાહેબે શિક્ષક થી જિલ્લા શિક્ષણાધિકારી તરીકે કુલ ૨૭ વર્ષની સુદીર્ઘ સેવા સફળાપૂર્વક બજાવી. ઉત્તમ લીડર એજ બની શકે જે શ્રેષ્ઠ રીડર હોય. તેઓ પ્રભાવશાળી વક્તાની સાથે ઊર્જાવાન વ્યકિતત્વ ધરાવે છે. ભૂસારા સાહેબ પોતાને કૃષિપુત્ર તરીકે ઓળખાવે. શિક્ષણના વહીવટી ક્ષેત્રે આવતી મુશ્કેલીને હસતા મુખે હકારાત્મક રીતે ઉકેલ લાવે, પોતાના ઉપરી અધિકારીઓ સાથે સુમેળભર્યો વ્યવહાર અને નીચલા અધિકારીઓ સાથે વાત્સલ્યસભર વ્યવહારથી સૌના માનપાત્ર એવા માન. ભુસારા સાહેબ શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત રહે એવી પરમકૃપાળુને પ્રાર્થના. સાથે નિવૃત્તિ જીવનમાં પણ આપના શિક્ષણ અને વહીવટી ક્ષેત્રના વિશાળ અનુભવોનો લાભ શિક્ષણક્ષેત્ર અને સમાજને મળતો રહે એવી અભિલાષા.

જિલ્લા શિક્ષણાધિકારી વલસાડની કચેરીના ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ શ્રી આર.બી.પટેલ પણ વય નિવૃત્ત થયા હતા. તેઓએ S.Y.B.COMનાં ચાલુ અભ્યાસે જુનિયર ક્લાર્કની પરીક્ષા પાસ કરતા તા.૦૩-૦૧-૧૯૮૭ માં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ડાંગમાં જુનિયર કલાર્ક તરીકે પ્રથમ નોકરીની શરૂઆત કર્યા બાદ વિવિધ પ્રમોશનનો મેળવી સિનિયર કલાર્ક, હેડ કલાર્ક અને છેવટે ઓડિટર ગૃપ -૧ પ્રમોશન મળતા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી વલસાડમાં તા. ૧૭-૦૬-૨૦૨૦ થી તા.૩૦-૦૬-૨૦૨૪ સુધી OS તરીકે કચેરીમાં સેવા આપી. શ્રી આર.બી.પટેલ કુલ ૩૭ વર્ષ, ૬ માસ શિક્ષણના વહીવટી ક્ષેત્રે કાર્યરત રહી વય નિવૃત્ત થયા હતા.

આ બંને કર્મયોગીઓનાં નિવૃત્તિ મંગલભાવના કાર્યક્રમમાં જિલ્લા આચાર્ય સંઘ, માધ્યમિક શિક્ષક સંઘ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ, સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માઘ્યમિક શૈક્ષિક સંઘ અને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી ગોકુલભાઈ પટેલ હાજર રહ્યા હતા, આ પ્રસંગે DITE પ્રાચાર્યશ્રી ડૉ. મહેન્દ્ર પટેલ સાહેબ, નવસારી DITE પ્રાચાર્યશ્રી ડો. યોગેશભાઈ પટેલ, પૂર્વ વલસાડ DEO માલી સાહેબ, હાલ વલસાડ DPEO ડી.બી. વસાવા સાહેબ, નવસારી DEO ચૌધરી સાહેબ, સુરત DPEO જે.ડી.પટેલ સાહેબ, પૂર્વ ઈ.ચા. ડાંગ DEO વિજય દેશમુખ, પૂર્વ ઈ.ચા. ડાંગ DPEO નરેન્દ્ર ઠાકરે, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો.અર્જુનભાઈ પટેલ, EI વલસાડ , AEI વલસાડ, જિલ્લાના તમામ વર્ગ – ૨ના અઘિકારીઓ, ડાયટ વલસાડના અધ્યાપકો, જિલ્લાની શાળાઓના સંચાલક મંડળના હોદ્દેદારો, શાળાના આચાર્યો, શિક્ષકો, તમામ BRC તેમજ મોટી સંખ્યામાં કુરગામના ગામજનો તેમજ નિવૃત્ત થનાર અઘિકારીઓના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બંને કર્મયોગી અધિકારીઓને માન સન્માન સાથે વિદાય આપી હતી.

આમ કોઈ કવિએ સાચું જ કહ્યું છે કે,
“ટોકરીમાં તેજ લઇ નીકળી પડો,
રસ્તો આપો આપ થઈ જશે.”