નર્મદા: ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો આજે પહેલો દિવસ હતો. આ દરમિયાન ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ પોતાના મતવિસ્તારની અનેક સરકારી શાળાઓની મુલાકાત લીધી હતી
મુલાકાત બાદ તેમણે Decision News સાથે વાત કરતાં કહ્યું કે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે તાલુકાની ૩૦-૩૫ સારી શાળાઓની પસંદગી કરી આવા કાર્યક્રમો કરવામાં આવે છે. આજે શિક્ષણ વિભાગના લાઇઝનીગ અધિકારી દ્વારા મને આપવામાં આવેલ કાર્યક્રમના રૂટનો મેં બહિષ્કાર કર્યો. મેં આજે પોતે ડેડીયાપાડા તાલુકાની ૫ સરકારી શાળાની મુલાકાત લીધી જેમાં ગંભીર બાબતો ધ્યાન પર આવેલ છે.
૧) મોટીકાલબી પ્રા.શા. જેમાં ૧ થી ૫ ધોરણમાં ૭૩ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. એક જ કાયમી શિક્ષક છે. ઓરડાઓ જર્જરીત હાલતમાં છે.
૨) કાકરપાડા (ન.વ)પ્રા.શા.જેમાં ૧ થી ૫ ધોરણમાં ૫૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. એક જ શિક્ષક છે.
૩)સામરપાડા(ન.વ)પ્રા.શા. જેમાં ૧ થી ૫ ધોરણમાં ૨૪ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. એક જ શિક્ષક છે અને ઓરડાઓ જર્જરિત હાલતમાં હોવાથી બાળકો ભય ઓથારે ભણે છે.
૪)હરીપુરા પ્રા.શા. જેમાં ૧ થી ૫ ધોરણમાં ૪૩ વિધાર્થીઓ અભ્યાસ કરે છે. એક જ શિક્ષક છે અને ઓરડા ખુબ જર્જરીત છે. તમામ બાળકોને એક જ વર્ગખંડમાં બેસાડીને ભણાવવામાં આવે છે.
૫) જુની આંબાવાડી(ન.વ.) પ્રા.શા.જેમાં ૧ થી ૫ ધોરણમાં ૫૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. અહીં એક જ શિક્ષક છે. ઓરડાઓ જર્જરીત હાલતમાં છે. બાળકો ભયના ઓથારે અભ્યાસ કરી રહ્યા છે.
આ આપણા રોલ મોડેલ ગુજરાતની વરવી વાસ્તવિકતા છે. વિશ્વગુરુ બનવાની વાતો થાય છે પણ અહીંની શાળાઓમાં ગુરુ નથી.એક જ શિક્ષક ૧ થી ૫ ધોરણને એક જ વર્ગખંડમાં ભણાવે છે.શાળાઓમાં જર્જરીત ઓરડાઓના કારણે કે ઓરડા ન હોવાના કારણે બાળકો ખુલ્લામાં ઝાડનીચે કે ભાડાના ઘરમાં ભણવા મજબૂર છે. અમારી સરકાર સમક્ષ માંગણી છે કે જરૂરિયાત પ્રમાણે કાયમી શિક્ષકોની પૂરતા પ્રમાણમાં ભરતી કરવામાં આવે અને શાળાઓના ઇન્ફ્રાસ્ટ્રકચરને વધુ ડેવલપ કરવામાં આવે અને ખાસ કરીને ઓરડાઓ બનાવવામાં આવે.