ગુજરાત: ગુજરાતમાં બાળકોનું શૈક્ષણિક ભવિષ્ય ઉજ્જવળ બને એવા ઉદ્દેશ સાથે કન્યા શિક્ષણને વધુ પ્રોત્સાહિત કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ માટે વર્ષ 2024-25 ના બજેટમાં ‘નમો લક્ષ્મી યોજના’ અને ધોરણ 10 પછી વિજ્ઞાનપ્રવાહમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ માટે ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના’ અમલમાં મૂકી છે.
‘નમો લક્ષ્મી યોજના’ અંતર્ગત અત્યાર સુધી રાજ્યની કુલ 11,966 શાળાઓની નોંધણી કરવામાં આવી છે. આ શાળાઓમાંથી 4,03,168 વિદ્યાર્થીનીઓની અરજી માન્ય રાખવામાં આવી છે. જેમાં રાજ્યના કુલ ૩૩ જિલ્લાઓમાંથી ડાંગ, સાબરકાંઠા, ખેડા, વડોદરા અને બનાસકાંઠાની શાળાઓએ મોટી સંખ્યામાં નોંધણી થઈ છે. ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના’ અંતર્ગત અત્યાર સુધીમાં રાજ્યની 924 વિજ્ઞાનપ્રવાહ શાળાઓની નોંધણી થઈ છે. જેમાં 37 હજારથી વધુ વિદ્યાર્થીઓએ આ યોજનાનો લાભ લેવા અરજી કરી છે. આ નોંધણીમાં છોટાઉદેપુર, બોટાદ, ડાંગ, તાપી અને બનાસકાંઠા જિલ્લાઓ મોખરે છે.
‘નમો લક્ષ્મી યોજના’ હેઠળ જે વિધાર્થીનીના કુટુંબની વાર્ષિક આવક રૂ. 6 લાખ કે તેથી ઓછી હોય અને જે ગત શૈક્ષણિક વર્ષ 2023-24 માં ધોરણ-8 થી 11 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ કે જે શૈક્ષણિક વર્ષ 2024-25 માટે ધોરણ- 9 થી 12 માં પ્રવેશ મેળવવા ઈચ્છતી હોય તેમને કુલ રૂ. 50,000/-ની સહાય આપવામાં આવે છે. જ્યારે ‘નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના’ હેઠળ જેમના કુટુંબની વાર્ષિક આવક રૂ. 6 લાખ કે તેથી ઓછી હોય અને ધોરણ-10 બોર્ડની પરીક્ષામાં 50 % કે તેથી વધુ ગુણ મેળવી વિજ્ઞાનપ્રવાહમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીને કુલ રૂ. 25,000/- સહાય મળવાપાત્ર છે.
‘નમો લક્ષ્મી યોજના’ અંતર્ગત ધોરણ 9 અને 10 ના મળી કુલ રૂ. 20,000/- સહાય ચૂકવવામાં આવશે. આ સહાયમાં 9 અને 10 ધોરણમાં શૈક્ષણિક વર્ષ દરમ્યાન 10 માસ માટે માસિક રૂ. 500/- મુજબ વાર્ષિક રૂ. 5,000/- પ્રમાણે બંને વર્ષના મળી કુલ રૂ. 10,000/-ચૂકવવામાં આવશે. જ્યારે બાકીના રૂ. 10,000/- ધોરણ 10 બોર્ડની પરીક્ષા ઉત્તીર્ણ કર્યા બાદ ચૂકવવામાં આવશે. એવી જ રીતે ધોરણ 11 અને 12ના મળી કુલ રૂ. 30,000/- સહાય ચૂકવવામાં આવશે. જેમાં ધોરણ 11 અને 12 માં શૈક્ષણિક વર્ષ દરમ્યાન 10 માસ માટે માસિક રૂ. 750 /- મુજબ વાર્ષિક રૂ. 7,500/- પ્રમાણે બંને વર્ષના મળી કુલ રૂ. 15,000/-ચૂકવવામાં આવશે. જ્યારે બાકીના રૂ. 15,000/- ધોરણ ૧રની બોર્ડ પરીક્ષા ઉત્તીર્ણ થયા બાદ ચૂકવવામાં આવશે. આમ ‘નમો લક્ષ્મી યોજના’ હેઠળ કુલ રૂ.50,000/ ચૂકવવામાં આવશે.