ડાંગ: આજરોજ ડાંગ જિલ્લાના આહવા ખાતે આમ આદમી પાર્ટી ડાંગ જિલ્લા વતી અધિક કલેકટરને આવેદનપત્ર આપી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરતાં જણાવેલ છે કે, ગુજરાતની સરકારી શાળાઓમાં શિક્ષકોની અછત પૂરી કરવા બાબતે તેમજ અન્ય તમામ આવશ્યક સુવિધાઓ તાત્કાલિક ધોરણે ઉપલબ્ધ કરાવવામાં આવે.

આવેદનપત્રમાં.. ગુજરાત સરકાર દર વર્ષે પ્રવેશોત્સવના કાર્યક્રમો કરે છે, જે અંતર્ગત 26-27-28 જૂનના રોજ સમગ્ર રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં આ કાર્યક્રમ કરવામાં આવશે. આવા કાર્યક્રમો અને તાયફાઓની આડમાં સરકાર દર વર્ષે સાચી હકીકતોને છૂપાવે છે અને સરકારી શિક્ષણની પરિસ્થિતિ દિવસે ને દિવસે વણસતી જાય છે. શિક્ષણ સુધારણા માટે સતત ચિંતા કરતી અને સંઘર્ષ કરતી અમારી આમ આદમી પાર્ટીએ આ મુદ્દે અનેક વખત આપશ્રીને રજૂઆતો કરી છે પણ આ મુદ્દે હજુ સુધી કોઈ સુધારાઓ કરવામાં આવેલ નથી. ગુજરાતની 1606 સરકારી પ્રાથમિક શાળાઓ માત્ર એક જ શિક્ષકથી ચાલે છે.પ્રાથમિકથી લઈને ઉચ્ચતર માધ્યમિક સુધીની સરકારી શાળાઓમાં મળીને કુલ 32000 થી વધુ શિક્ષકોની અને 38000થી વધુ ઓરડાઓની અછત છે. 14,652 શાળાઓમાં એક વર્ગખંડમાં એક કરતાં વધારે ધોરણના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. રાજ્યની અંદાજે 38000 સરકારી શાળાઓમાંથી 5612 સરકારી શાળાને ઓછી સંખ્યાના નામે મર્જ/બંધ કરી દેવામાં આવી છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં 31 માર્ચ 2023 ની પરિસ્થિતિએ ફક્ત 11 જેટલી સરકારી શાળાઓને મંજૂરી આપવામાં આવી છે, જ્યારે 526 ખાનગી શાળાઓને મંજૂરી આપવામાં આવી છે. ગુજરાતમાં 2574 જેટલી સરકારી શાળાઓ જર્જરીત ઓરડા ધરાવે છે, જ્યારે 7599 સરકારી શાળાઓમાં હજુ પણ પતરાની છત નીચે વિદ્યાર્થીઓને અભ્યાસ કરે છે.તાજેતરમાં જ સામે આવ્યું હતું કે ધોરણ 8 પછી અંદાજે 1.14 લાખ બાળકોએ ભણવાનું છોડી દીધું હતું એટલે કે માધ્યમિકમાં પ્રવેશ લીધો નહોતો. ટેટ-1 પાસ 39395 એને ટેટ-2 પાસ 235956 ઉમેદવારો છે. એ ઉપરાંત માધ્યમિકમાં ટાટ 75328, માધ્યમિક દ્વિસ્તરીય ટાટ 28307 અને ઉચ્ચતર માધ્યમિક દ્વિસ્તરીય 15253 ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી છે. આમ કુલ 3.83 લાખથી વધુ ઉમેદવારોએ શિક્ષક બનવા યોગ્ય પરીક્ષાઓ પસાર કરી છે. 2022માં ટેટ-1 પાસ થયેલા 2300 અને ટેટ-2 પાસ થયેલા 3378 ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે, જ્યારે માધ્યમિક કે ઉચ્ચતર માધ્યમિકમાં કોઈ ભરતી થયેલી નથી. એવી જ રીતે 2023માં પણ એક પણ ઉમેદવારની સરકારી કે ગ્રાન્ડેટ પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોમાં ભરતી થઈ નથી. આવી તો અનેક ત્રુટીઓ ગુજરાતની સરકારી શિક્ષણ વ્યવસ્થામાં છે, જે વારંવાર પ્રજા, મીડિયા તેમજ વિપક્ષના માધ્યમથી સામે આવતી રહે છે.

ગુજરાતના તમામ વાલીઓ વતી અમારી માંગણી છે કે ગુજરાતની તમામ સરકારી શાળાઓમાં શિક્ષકોની અછત તાત્કાલિક ધોરણે પૂરી કરવામાં આવે તેમજ અન્ય તમામ આવશ્યક સુવિધાઓ પણ તાત્કાલિક ફાળવવામાં આવે. જેમાં ડાંગ જિલ્લાના પાર્ટી પ્રમુખ રમેશભાઈ ગાયકવાડ, વિધાનસભા પ્રમુખ એડવોકેટ સુનિલ ગામીત, ડાંગ જિલ્લા પ્રવકતા મનોજ પવાર, કમનભાઈ પવાર, સુકરભાઈ પવાર વગેરે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.