રાજપીપલા: રાજ્ય સરકારનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યની સાથે નર્મદા જિલ્લામાં પ્રધાનમંત્રી માતૃવંદના અને નમોશ્રી યોજના હેઠળ 1 એપ્રિલ-2024 પછીની સગર્ભા બહેનોને રૂપિયા 12,000/-ની સહાય ડીબીટીના માધ્યમથી લાભાર્થીના બેન્ક ખાતામાં સીધી જ મળવા પાત્ર છે.
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના આરોગ્ય માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. ખાસ કરીને સગર્ભા બહેનોને પોષણયુક્ત આહાર મળી રહે, આરોગ્યમાં સુધારો થાય અને મૃત્યુ દરમાં ઘટાડો કરી શકાય તેના ઉપ વધુ ભાર મૂકવામાં આવે છે.
પ્રધાનમંત્રી માતૃ વંદના અને નમોશ્રી યોજના અંતર્ગત આરોગ્ય કેન્દ્રો-હોસ્પિટલોમાં પ્રસુતિને પ્રોત્સાહન આપવા તેમજ બાળ રસીકરણને વધારવાનો શુભ આશય રહેલો છે. આ યોજના અંતર્ગત હોસ્પિટલમાં પ્રસુતિ કરાવનાર સગર્ભા મહિલાને પ્રથમ બે પ્રસુતિ માટે મહત્તમ રૂપિયા 12,000/-ની સહાય સરકારશ્રી દ્વારા ચૂકવવામાં આવશે.
આ યોજનાનો લાભ લેવા માટે કે.વાય.સી. ડોક્યુમેન્ટ તરીકે આધાર કાર્ડ, બેન્ક ખાતાની માહિતી તથા મમતા કાર્ડ આપવાનું રહેશે. આ તમામ દસ્તાવેજોમાં નામ એક સરખા હોય તેની પણ પુરતી કાળજી રાખવા અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

