રાજપીપલા: સિકલ સેલ એનેમિયા એ એક આનુવંશિક બિમારી (જિનેટિક બ્લડ ડિસઓર્ડર) છે, જે મુખ્યત્વે આદિવાસી સમુદાયના લોકોને અસર કરે છે. સમગ્ર વિશ્વમાં આ બીમારી પ્રત્યે જાગૃતિ વધારવાના ઉદ્દેશથી પ્રતિ વર્ષ ૧૯ જૂનના રોજ ‘વિશ્વ સિકલ સેલ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર રાજપીપલા ખાતે નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સિકલસેલ એનિમિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે, સિકલસેલ એ આનુવંશિક રોગ છે.
સિકલસેલ એનેમિયા રોગ શું છે?
સિકલ સેલ એનિમિયા રક્તકણમાં રહેલા ખામીયુકત હિમોગ્લોબીન- એસ (Hb-s) ને કારણે થતો જનીન જન્ય રોગ છે. જેમાં રકતકણનો આકાર ગોળમાંથી દાતરડા જેવો બની જાય છે.
• સિકલસેલ એ વારસાગત રોગ છે. જેને સંપુર્ણપણે મટાડી ન શકાય પરંતુ આ સમસ્યાનો વ્યાપ વધતો અટકાવી શકાય.
• ગુજરાતનાં મુખ્યત્વે દાહોદ, પંચમહાલ, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વાપી, વલસાડ અને ડાંગ જેવા કુલ ૧૪ જીલ્લાનાં આદિવાસીઓમાં સિકલ સેલ એનિમિયાનું પ્રમાણ વધુ જોવા મળે છે
સિકલસેલ એનેમિયાના લક્ષણો:
વારંવાર તાવ આવવો, શરીર ફીક્કું પડી જવું, શરીરમાં કળતર થવી, વારંવાર પેટમાં દુખાવો થવો, સાંધાઓમાં તેમજ હાડકામાં સોજો આવવો અને દુસ્ખાવો રહેવો, બરોળ મોટી થવી, સગર્ભા માતાને ગર્ભપાત થવાની શકયતા, સિકલ સેલ રોગવાળી વ્યક્તિ વારંવાર શરીરમાં થતી કટોકટી (Crisis) ને લીધે ટુંકા આયુષ્યમાં જ મૃત્યુ પામી શકે છે, સહેલાઇથી સંક્રામક રોગોના ભોગ બનવું ખાસ કરીને ફેફસાના રોગો
સિકલસેલ એનેમિયાની સારવાર:
o વધુમાત્રામાં પ્રવાહી પીવું રોજના ૧૦ થી ૧૫ ગ્લાસ પાણી પીવું
o ફોલિક એસિડની (૦.૫ મી.ગ્રા.) ગોળી રોજ લેવી
o દુખાવા માટે દર્દશામક ગોળીલ જરૂર પડે ત્યારે દુખાવો મટે ત્યાં સુધી લેવી સિકલ સેલના ઘણા દર્દીઓમાં હાઇડ્રોક્ષીયુરીયા નામની દવા ખુબજ ઉપયોગી નિવડે છે
o સમતોલ આહાર લેવો
o નિયમિત ડોકટરી તપાસ કરાવવી
o વધુ ઉંચાઇ વાળી જગ્યાએ ન જવું વધુ ઠંડીમાં મફલર સ્વેટર પહેરવા
o વધુ ગરમીમાં બહાર ન કરવું.
આટલું ધ્યાન અચુક રાખવું
o સિકલસેલ એનિમિયાથી ડરવાથી જરૂર નથી જરૂર છે માત્ર આ રોગને સમજવાની
o સિકલસેલ એ વારસાગત રોગ હોવાથી જ્યાં સુધી લોહીની તપાસ કરવામાં ન આવે ત્યાં સુધી આ રોગની જાણ થતી નથી.
o સિકલસેલ દર્દીના કુટુંબના દરેક સભ્યોનો સિક્સસેલ રીપોર્ટ થવો જરૂરી છે
o સ્ત્રી – પુરૂષ બંને સિકલ સેલ વાહક રોગ ધરાવતા હોય તો એમના લગ્ન એક બીજા સાથે ન થવા જોઇએ
o લગ્ન પહેલા આ રોગ અંગેની તપાસ દ્રારા આ રોગને અટકાવી શકાય છે
o આ રોગોને અટકાવવા લગ્નગ્રંથીથી જોડાતા પહેલા સિકલ સેલની તપાસ કરાવી કાઉન્સેલીંગ ફરજીયાત કરાવવું
o સિકલસેલનું નિદાન અને સારવાર તમારા નજીકના સરકારી દવાખાનામાં મફત કરવામાં આવે છે.