દક્ષિણ ગુજરાત: ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને એક ગંભીર મુદ્દા પર પત્ર મારફતે પોતાની વાત જણાવી હતી. ચૈતરભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં અંબાજી થી ઉમરગામ સુધીના વિસ્તારને બંધારણના શિડયુલ પાંચમાં સમાવેશ કરવામાં આવેલ છે. 73AA ના મુંબઈ જમીન મહેસુલ અધિનિયમ 1879થી લઈને 73AA-1981ની જોગવાઈ મુજબ શિડયુલ એરિયામાં આદિવાસીઓની જમીન આદિવાસી પોતે વેચી ન શકે અને કોઈ બિન આદિવાસી ખરીદી ન શકે.

જુઓ વિડીઓ…

આમ છતાં શિડયુલ વિસ્તારમાં બંધારણનું ઉલ્લંઘન કરીને PESA એક્ટને નેવે મૂકીને દરેક જિલ્લાના કલેકટરોથી લઈને તલાટીઓ સુધીના અધિકારીઓએ બિન આદિવાસી લોકો સાથે મળીને 73AAની જમીનો ટ્રાન્સફર, NA અને ભાડા પેટે કરીને અભણ ભોળા અને ગરીબ આદિવાસીઓની જમીન પચાવી પાડીને કોમર્શિયલ બાંધકામો કર્યા છે. જેની તપાસ કરાવવામાં આવે તો કલેક્ટર આયુષ આંક, લાંગા જેવા આ વિસ્તારોના કલેકટરોના પણ જમીન કૌભાંડનો બહાર આવશે.

હાલ દાહોદ જિલ્લામાં 73AA જમીન ટ્રાન્સફર કરવાના કૌભાંડ બહાર આવેલ છે. તેવી જ રીતે નર્મદા જિલ્લામાં કેવડિયા, ભરૂચ જિલ્લાના ઝઘડિયા, સુરત જિલ્લાના માંડવી, માંગરોળ, નવસારી જિલ્લાના ચીખલી, ખેરગામ, ડુવાડા, વલસાડ જિલ્લાના ટૂંકવાડા, પારડી જેવા તાલુકાઓની 73AAની જમીનો બિન આદિવાસીઓએ પચાવી પાડી અને આ જમીનો પર સ્ટોન ક્વોરી અને ક્રસર ચલાવી રહ્યા છે. શહેરી વિસ્તારોમાં પણ 73AA ની જમીનો ટ્રાન્સફર, NA કે ભાડા પેટે પચાવી પાડીને ગેરકાયદેસર દસ્તાવેજ કરીને કોમર્શિયલ બિલ્ડીંગો બનાવવામાં આવી છે.

આમ શિડયુલ વિસ્તારોમાં બંધારણનું ઉલ્લંઘન કરીને 73AAની જમીનોમાં કરેલા ટ્રાન્સફર, NA અને ભાડા કરારની સરકાર દ્વારા ગંભીર તરફથી તપાસ કરવામાં આવે અને એ જમીનો મૂળ માલિકોને સુપ્રત કરવામાં આવે તેવી અમારી માંગણી છે.