નર્મદા: સાગબારા તાલુકામાં દેવમોગરા ગામે આદિવાસી સમાજની કુળદેવી યાહ મોગી માતાજીનું મંદિર આવેલું છે, જ્યાં ત્રણ રાજ્યોના લાખો ભક્તો દર્શનાર્થે આવે છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતના લાખો શ્રદ્ધાળુઓ દૂર દૂરથી દર્શનાર્થે આવતા હોય છે, દેવમોગરા મંદિરે દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં વહેલી સવારથી દર્શન માટે લાઈનમાં લાગી જાય છે.

જુઓ વિડિઓ..

પરંતુ દેવમોગરા ટ્રસ્ટના સંચાલકો અને સાગબારા તાલુકા વહિવટી તંત્ર શ્રદ્ધાળુઓને પડતી મુશ્કેલીઓ તરફ ધ્યાન ન દેતું હોઈ તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે. કારણ કે શ્રદ્ધાળુઓ દેવમોગરા માતાના દર્શન કરી પોતાની માનતા પૂરી કરી બપોરનું જમવાનું જાતે જ બનાવતા હોય છે, પરંતુ યાત્રાધામ દેવમોગરા ગામમાં સ્થાનિક જળસ્ત્રોતો ખૂટી જતા શ્રદ્ધાળુઓને પાણી માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

શ્રદ્ધાળુઓ જમવાનું બનાવવા માટે પાણી ભરવા માટે લાઇનમાં રહી પાણી ભરવા મજબુર બન્યા છે. આમ જોવા જઈએ તો ખાસ કરીને દેવમોગરા વિસ્તારમાં પાણીની અછત નહિવત જોવા મળે છે, પરંતુ આ વર્ષના ઉનાળા દરમિયાન મોટાભાગના વિસ્તારોમાં હેન્ડ પંપ અને બોરમાં જળસ્ત્રોત નીચે જવાના કારણે બોર અને હેન્ડ પંપમાં પાણી સુકાઈ ગયું છે. જેથી શ્રદ્ધાળુઓ પાણી માટે વલખા મારતા નજરે પડ્યા છે. જેથી સાગબારા વહીવટી તંત્ર, સ્થાનિક ગ્રામ પંચાયત અને દેવમોગરા મંદિરના ટ્રસ્ટીઓ લોકો માટે પીવાનાં પાણીની અને જમવા બનાવવાનાં પાણીની વૈકલ્પિક વ્યવસ્થા થાય એવી લોકમાંગ ઉઠી છે.