દક્ષિણ ગુજરાત: ભરૂચ, તાપી, નર્મદા, વલસાડ, નવસારી અને ડાંગ જેવા જિલ્લાઓના ગામડાઓમાં રાત્રીએ અને વહેલી સવારથી શરૂ થયેલી મેઘ મહેર વાતાવરણમાં ઠંડક પ્રસરાવી દીધી હતી. દિવસ દરમિયાન લાગતી કાળઝાળ ગરમીથી રાહત મળી હોવાનું લોકો કહી રહ્યા છે.

Decision News ને મળેલી માહિતી મુજબ છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી સામાન્ય વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ તાપીમાં પોણા ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. તેમજ વલસાડ જિલ્લામાં રાત્રે પણ વરસાદ જોવા મળ્યો હતો. કેટલીક જગ્યાએ પાણી ભરાવાની પણ સમસ્યા સામે આવી હતી. પણ ચોક્કસથી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ છે.

દક્ષિણ ગુજરાતના મોટાભાગના કેરીનો પાક લેતા ખેડૂતોને આ વરસાદથી નુકશાન થયું જ પણ ભરૂચમાં તો વૃક્ષ નીચે દબાઈ જતા ત્રણના મોત પણ થયાની ઘટના સામે આવી છે. ચીખલી, વાંસદા વઘઈ, આહવા,  કપરાડા અને ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં રાત્રે 10થી 12 દરમિયાન વરસાદ વરસ્યો હતો. કપરાડા તાલુકામાં 49 MM, ધરમપુર તાલુકામાં 74 MM વરસાદ પડ્યો હતો. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર હવે વરસાદ પોતાની ધમાકેદાર બેટિંગ ચાલુ રાખે તો નવાઈ નહિ..