ડાંગ: ગત તા.25/05/2024 ના રોજ રાજકોટ ખાતેના ગેમ ઝોનમાં બનેલ આગની ઘટનાને ધ્યાને લઇ, ડાંગ જિલ્લામાં પણ કોઇ અઘટિત ઘટના ન બને તે હેતુસર તા.૧/૬/૨૦૨૪ ના રોજ, જિલ્લા કલેકટર શ્રી મહેશ પટેલના અધ્યક્ષ સ્થાને ફાયર સેફટી અંગેની બેઠક યોજવામાં આવી હતી.

DECISION NEWS ને મળેલ માહિતી મુજબ જેમા જિલ્લા કલેક્ટરશ્રીએ જિલ્લાના તમામ ખાતાના વડા અધિકારીશ્રીઓને તેઓની કચેરી તેમજ કાર્યક્ષેત્રમાં આવતા વિવિધ જાહેર સ્થળો, હોટેલ રેસ્ટોરન્ટ, તમામ શાળા કોલેજો, એડવેન્ચર એક્ટિવિટ્સ, વોટર એક્ટિવિટીસ તળાવો, ધાર્મિક સ્થળો, પેટ્રોલ પંપ, ગેસ સ્ટેશન, સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો વિગેરે જગ્યાએ ફાયરના સાધનોની પૂરતી ચકાસણી કરવા તથા ફાયર સેફ્ટી અંતર્ગત જરૂરી અન્ય સૂચનો કરવામાં આવ્યા હતા.

આ બેઠકમાં ડાંગ જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયા, દક્ષિણ ડાંગના નાયબ વન સંરક્ષક શ્રી રવિ પ્રસાદ, ઉત્તરના નાયબ વન સંરક્ષક શ્રી દિનેશ રબારી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી શિવાજી તબિયાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હિરલ પટેલ સહિતના જિલ્લા અધિકારીઓએ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો.