નર્મદા: દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા ધરાવતા જિલ્લાનાં અંતરીયાળ વિસ્તારનાં આદિવાસીઓને આજે પણ જિલ્લા મથક સુધી પહોંચવા માટેના રસ્તાઓ બિસ્માર હાલતના છે, રસ્તાઓ પર ખાડા ટેકરા અને ધૂળની ડમરીઓ ઉડી રહી છે, જેના કારણે સૌથી વધુ બાઈક સવાર લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, આંખમાં ધૂળ આવી જતા અકસ્માતનો ભોગ પણ બનવું પડતું હોય છે.

Decision news સાથે વાત કરતાં રાહદારીઓ જણાવે છે કે મોવી ત્રણ રસ્તા થી ડેડિયાપાડાને જોડતો રસ્તો વર્ષોથી ચોમાસા દરમિયાન બિસ્માર થઈ જતો હોય છે, હાલમાં મોવી ચોકડી થી થોડા દુર ડેડિયાપાડા રોડ પર એક ગરનાળું બનાવ્યું છે, પરંતુ એટલી લો કોલેટીનું મટીરીયલનો ઉપયોગ કર્યો છે કે, અત્યારથી કૉઝવે પર ખાડા પડી ગયા છે. જેને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે, છતાં તંત્ર આળસ ખંખેરવાનું નામ લેતું નથી. સરકાર વિકાસના કામો પાછળ કરોડો રૂપિયા ફાળવતી હોવા છતાં અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં પ્રજા મુશ્કેલી કેમ ભોગવી રહી છે.?  શું આદિવાસી વિસ્તારમા ફાળવેલ ગ્રાન્ટ માત્ર લો-કોલેટીના રસ્તાઓ ગરનાળા બનાવી ગ્રાન્ટ ચાવ કરી જવા માટે તો નથી ? આ રસ્તો મોવી થી ડેડિયાપાડા, સાગબારા અને મહારાષ્ટ્ર રાજ્યને જોડતો માર્ગ છે.

ઠેર ઠેર પડેલા આ રોડ પર ખાડાને લઈને વાહન ચાલકો ઘણીવાર પટકાયા પણ છે. તેમજ નાની મોટી ઇજા પણ થઇ હોવાનું પણ નોંધાયું છે, છતાં નર્મદા માર્ગ વિભાગ વહીવટી તંત્રના પેટનું પાણી પણ હાલતું નથી. હવે એવી લોકમાંગ ઉઠી છે કે, મોવી થી ડેડિયાપાડાને જોડતો રસ્તો ચોમાસા પહેલા રિપેર થઈ જાય તો સારું.. નહિ તો જિલ્લા મથકે કામ અર્થે આવતા લોકોએ જિલ્લા મથક સુધી પરિવહન કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે.