નવસારી: સમયની સાથે બદલાયેલી ટેકનોલોજીને કારણે પરંપરાગત તેઓની આદતો પણ બદલાય છે. પરંતુ વાંચનની પ્રક્રિયા ડિજિટલ યુગમાં પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા સફળ રહી છે. જીવનમાં આવતી તમામ મુશ્કેલીઓ સામે અડીખમ રહેવા માટે વાંચન એ પ્રેરક બળ પૂરું પાડે છે. આગામી થોડા સમયમાં શાળાઓ શરૂ થઈ રહી છે પરંતુ બાળકોમાં વાંચનની ટેવ ટકાવી રાખવી એ વાલીઓ માટે એક પડકાર બની રહ્યો છે ત્યારે નવસારી જિલ્લામાં થોડા વર્ષોથી શરૂ થયેલી ગામઠી લાઇબ્રેરીમાં બાળકો સ્વયંભૂ જોડાઈને અકળાવનારી ગરમી અને સામે નૈસર્ગિક ખુલ્લા વાતાવરણમાં બેસી વાંચનના આહલાદક અનુભવને માણી રહ્યા છે.

નવસારીના ગણદેવી તાલુકામાં અંબિકા નદીના કિનારે વસેલુ દેવધા ગામ કેરી અને ચીકુની વાડીઓથી ઘેરાયેલ પ્રદેશ છે. અહીં ચાર પેઢીઓથી શિક્ષણ સાથે જોડાયેલા વશી પરિવારના સ્વ. મોહન વશીએ બાળકો અને યુવાનોમાં પુસ્તક પ્રેમ જગાવવાની ઈચ્છા હતી. દાદાના સ્વપ્નની સાકાર કરવા માટે પૌત્રે બીડું ઝડપ્યું,પૌત્ર ડૉ. જય વશી દ્વારા પરબ પ્રોજેક્ટ શરૂ કર્યો. આજના બાળકો યુવાનો સહિત સૌ જીવનમાં પુસ્તકનું મહત્વ સમજે એ હેતુથી તેમણે લાયબ્રેરીઓ સ્થાપવા સાથે હરતી ફરતી લાયબ્રેરી પણ શરૂ કરી હતી. જોકે વેકેશનમાં વોટર પાર્ક, એમ્યુઝમેન્ટ પાર્કના ક્રેઝ સામે પ્રકૃતિના ખોળે બેસીને પુસ્તકોનું વાંચન થઈ શકે અને વાંચન આળસ નહીં પણ જિજ્ઞાસા સાથે ઉત્સાહ કેળવે એવા ઉમદા વિચાર સાથે ડૉ. જય વશીએ પોતાની આંબા અને ચીકુ વાડીમાં મોહન વાંચન કુટીર શરૂ કર્યુ છે. પ્રારંભિક તબક્કે 2 હજાર પુસ્તકોથી શરૂ કરેલ આ પ્રાકૃતિક લાયબ્રેરી આસપાસના 20 ગામોના વિદ્યાર્થીઓ, યુવાનો માટે વેકેશનમાં સમય વિતાવવાનુ ઉત્તમ સ્થળ બની રહ્યું છે. મોબાઈલ સ્ટોરમાં ડિસ્પ્લે કરેલા મોબાઈલ ફોનની જેમ જ અહીં પુસ્તકના ફીચર સાથે પુસ્તક ડિસ્પ્લે કરવામાં આવ્યા છે. જેથી પુસ્તક વિશેની માહિતી મેળવી પોતાના પસંદગીના પુસ્તકને વાંચક વાંચી શકે. જેનાથી પ્રેરાઈ વિદ્યાર્થીઓ રોજ પુસ્તક એડવેન્ચર માણી રહ્યા છે. અહીં 3 હજારથી વધુ પુસ્તકો વાંચકો માટે ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે.

વાંચન સાથે સાહિત્યનો સંગમ
મોહન વાંચન કુટીરમાં પુસ્તકો વાંચવાની મજા આવે એનું ધ્યાન રાખવામાં આવ્યું છે. જેમાં શહેરોની આધુનિક સુવિધાથી સજ્જ લાયબ્રેરીથી હટકે આ પ્રાકૃતિક લાયબ્રેરીમાં જમીન ઉપર વૃક્ષની છાયા નીચે શણના કોથળા પાથરીને પુસ્તક વાંચન, ખાટલા, ગાયના છાણની લીપણ વાળી બેઠક સાથે જ કુદરતી ઠંડા પવનો, પક્ષીઓના મધુર કલરવ વચ્ચે બાળકો, યુવાનો તેમજ અન્યો પોતાના ગમતા પુસ્તકને મનભરીને વાંચી શકે એવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સોશિયલ મીડિયાના જમાનામાં મોહન કુટીરમાં અમદાવાદ, વડોદરા, સુરત, મુંબઈ સહિત અન્ય શહેરો તેમજ નવસારીના ગામડાઓમાંથી અનેક પુસ્તકપ્રેમી પ્રકૃતિના ખોળે બેસી વાંચન કર્યુ છે. આ પુસ્તકાલય ઉનાળો અને શિયાળો બે ઋતુમાં ચાલુ રખાશે, જ્યારે ચોમાસમાં બંધ રહેશે. ત્યારે સ્વ. મોહન દાદાનું સપનું પૂર્ણ કરવાનો પ્રયાસ કરતા ડૉ. જય વશી લોકોને મોબાઈલ કરતા પુસ્તકને પ્રેમ કરવા અપીલ કરે છે.

ડિજિટલ યુગમાં લોકો, ખાસ કરીને બાળકો પુસ્તકોથી દૂર થતા હોય, ત્યારે મોબાઈલના વળગણને કાઢવા નવસારીના નાના અમથા દેવધા ગામમાં શરૂ થયેલ મોહન વાંચન કુટિર બાળકો અને યુવાનોમાં લોકપ્રિય થઇ રહ્યુ છે. ત્યારે આ પ્રાકૃતિક પુસ્તકાલય ભારતમાં પૌરાણિક કાળમાં પ્રકૃતિના ખોળે ચાલતા ગુરૂકુળની યાદ અપાવી જાય છે. દેવધા ગામમાં રહેતી આલિયા કુદરતી લાઇબ્રેરી વિશેના પોતાના અનુભવ જણાવતા રહે છે કે ઉનાળા ની ઋતુમાં જો ઘરે પુસ્તક લઈને વાંચવા બેસીએ તો અસહ્ય ગરમી થાય તેની સામે આ કુદરતી અને નૈસર્ગિક વાતાવરણમાં ઊભી કરાયેલી લાઇબ્રેરી ખરેખર મનને ટાઢક આપનારી છે કહેવાય છે કે જીવનની દરેક મુશ્કેલીઓનો હલ પુસ્તકમાંથી મળે છે. જેથી અમે દર વર્ષે ઉનાળાની ઋતુમાં આ નૈસર્ગિક વાતાવરણમાં ઊભી કરાયેલી લાઇબ્રેરીનો આનંદ લઈએ છીએ. અમને ખૂબ સરસ વાતાવરણમાં જય સર દ્વારા વાંચન તક આપવા બદલ તેમનો આભાર માનું છું.

મોહન વાંચન કુટીરનો કન્સેપ્ટ અમલ બનાવનાર જય વશી જણાવે છે કે અહીં આવીને દરેકના મનને શાંતિ થાય છે. સામાન્ય રીતે લાઇબ્રેરી એક બંધ ખંડમાં બનાવવામાં આવે છે પરંતુ અમે નૈસર્ગિક અને કુદરતી વાતાવરણનો ઉપયોગ કરી આ મોહન લાઇબ્રેરીનું નિર્માણ કર્યું છે. જ્યાં બાળકો મહિલા વડીલો સૌ કોઈ વાંચનનો અનેરો અદભુત અનુભવ કરી શકે છે. ધીરે ધીરે આ સ્થળ પિકનિક સ્પોટ બનતું જઈ રહ્યું છે. શાળાઓ બસ ભરીને બાળકો નહીં લઈ આવે છે અહીં તેઓ ઘરેથી ડબ્બા લઈને પણ ભોજનનો આનંદ મળે છે. અહીં છાશ સહિતની સુવિધાઓ અમે નિશુલ્કો ઉપલબ્ધ કરાવીએ છીએ આ મોહન લાઇબ્રેરીમાં ત્રણથી લઈને સાડા ત્રણ હજાર પુસ્તકોનો રાખવામાં આવ્યા છે. વાંચનની સાથે સાથે સાહિત્યને પણ પ્રોત્સાહન મળે તે માટે અમે સાહિત્ય ગોસ્તથીનું પણ આયોજન કરીએ છીએ જેમાં દૂર દૂરથી સાહિત્યકારો આવે છે. રાજ્યના દરેક ખૂણે થી વાચકો અહીં આવીને વાંચન કરી મનને શાંતિ મેળવે છે. પક્ષીઓના કલરવ સાથે વાંચન માં સોનામાં સુગંધ મળે તેવું વાતાવરણ અહીં નિર્માણ પામ્યું છે.