સાપુતારા: આહેરડી-આંબાપાડા વચ્ચે માર્ગ સાઇડે કોઈક અજાણ્યા ઇસમે આગ લગાડી દેતા વાહનોને અકસ્માત અને ઊંડી ખીણમાં પડતા અટકાવવા રાજ્ય સરકારનો પાયલોટ પ્રોજેક્ટ રોલર ક્રશ બેરીયર આગની ચપેટમાં આવી જતા ભારે નુકસાન પહોંચ્યું છે.

DECISION NEWS ને મળેલ માહિતી મુજબ હાલ રાજ્યમાં અગ્નિકાંડનો માહોલ વચ્ચે સાપુતારા-વઘઇ રાજ્ય ધોરીમાર્ગ પર રાજ્ય સરકારે વાહનોને અકસ્માત રોકવા માર્ગ સાઇડે કરોડો રૂપિયાના ખર્ચે રોલર ક્રશ બેરીયર લગાડવામાં આવ્યા છે. બુધવારે આહેરડી-આંબાપાડા વચ્ચે આવેલ માર્ગ સાઇડે જંગલમાં કોઈક ટીખળખોરે આગ લગાડી દેતા પવન સાથે માર્ગ સાઈડના સુકા ઘાસ પાંદડા સળગતા રોલર ક્રશ બેરીયરના સંપર્કમાં આવતા રોલર ક્રશ ભડભડ સળગી જતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. સતત વાહન વ્યવહારથી ધમધમતો સાપુતારા-વઘઇ રાજ્યધોરી માર્ગ પર રોલર ક્રશ બેરીયરને લાગેલી આગથી પ્રવાસીઓ સહિત વાહન ચાલકોના જીવ પડીકે બંધાયા હતા.

અકસ્માતે લાગેલી આગથી માર્ગ અકસ્માત રોકવા કરોડોના ખર્ચે બનાવેલ રોલર ક્રશ બેરીયરને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. જોકે માર્ગ સાઇડે આગની ઘટના અંગે વાહન ચાલકોએ હાઇવે પોલીસને જાણ કરતા પોલીસ કોન્સ્ટેબલ બળદેવસિંહ અને રોહિતસિંહ ઘટનાસ્થળે ધસી જઈ પાણીના ટેન્કરથી પાણી છાંટી આગ બુઝાવી હતી. આગમાં 30-40 રોલર બેરિયર બળીને ખાખ થઈ ગયા હતા. ટ્રાફિક શાખાના કોન્સ્ટેબલે આગ લગાડનાર અજાણ્યા ઈસમ સામે જાણવા જોગ સાપુતારા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.