રાજકોટ: TRP ગેમઝોનમાં બનેલી આગની ઘટનામાં રાજકોટ બાર એસોસિએશન દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરતાં કહ્યું કે આ ઘટનામાં આરોપીઓ તરફથી કોઇપણ કેસ લડવામાં આવશે નહીં. અને મૃતકોના પરિવારજનોને વકીલ રોકવા હશે કે કોઈ દલીલ કરવી હશે તો મફતમાં કેસ લડવામાં આવશે.

રાજકોટ બાર એસોસિએશનના પ્રેસિડન્ટ બકુલ રાજાણીનું કહેવું હતું કે રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં જે દુઃખદ ઘટના બની છે. તેમાં રાજકોટ બાર એસોસિએશને એક ઠરાવ પસાર કર્યો છે કે, મૃતકોના આત્માને શાંતિ મળે અને એકપણ આરોપીનો વકીલે કેસ લડવાનો નથી. જેમાં 3500 જેટલા વકીલો જોડાશે તેવી મને પૂરી આશા છે. જો આરોપીને આજે સાંજ સુધીમાં રજૂ કરવામાં આવશે તો આમ તો સૌરાષ્ટ્રના તમામ વકીલોએ અમને સમર્થન આપ્યું છે, તેમ છતાં જો બહારથી કોઇ વકીલ વકીલાતનામું કરશે તો બાર એસોસિએશનની ટીમ તેમને રોકવાના પૂરતા પ્રયાસો કરશે. તેમજ જવાબદાર અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવવી જોઇએ.

રાજકોટ બાર એસોસિએશનના વાઇસ પ્રેસિડન્ટ સુરેશ ફળદુ જણાવે છે કે રાજકોટ બાર એસોસિએશન દ્વારા એક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. જેમાં રાજકોટ બાર એસોસિએશનમાં જોડાયેલા તમામ સભ્યોને જે-જે આરોપીઓ છે, જવાબદાર છે તેવા કોઇપણ આરોપી તરફથી રાજકોટ બાર એસોસિએશનના સભ્યોએ વકીલાત કરવાની નથી. ગુજરાતમાં આવી અસંખ્ય ઘટનાઓ ઘટી છે. આ ઘટનાને હળવાશથી ન લેવી જોઇએ. રાજકોટ બાર એસોસિએશન જે જે લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમના પરિવારજનોની સાથે છે. અમારાથી બનતા પ્રયાસો કરવામાં આવશે અને મદદરૂપ થઈશું. પોલીસ કમિશનરને જે કંઇ રજૂઆત કરવી પડતી હશે તે રજૂઆત કરીશું. તપાસ પારદર્શક થાય, જે કંઇ ક્ષતિ છે તેને દૂર કરવામાં આવશે.