દાનહ: સેલવાસ નગર પાલિકા વિસ્તારમાં એક દિવસ પાણી પુરવઠો બંધ રાખતા પહેલા નોટિસ આપવામાં આવે છે ત્યારે 4 મહિનાથી પાણીનો પુરવઠો કેમ બંધ કરવામાં આવ્યો એનું કોઈ કારણ જાણી શકાયું નથી. પ્રશાસન દ્વારા ટેન્કર દ્વારા અઠવાડિયામાં ફક્ત 2 દિવસ પાણી પહોંચી રહ્યું છે લોકોની સાથે દુધાળા પશુ ગાય, ભેંસ, બકરીઓ પણ સમસ્યાથી પ્રભાવિત થઇ રહ્યા છે.
ગરમીની ઋતુ શરૂ થતા દાનહના અંતરિયાળ આદિવાસી વિસ્તાર રૂદાના, બેડપા, ભેંસદા વિસ્તારમાં પાણી માટેની બુમરાણ મચી છે. કૂવા અને બોરિંગમાં પાણી સુકાઈ જવાથી લોકો પાણી માટે વલખાં મારી રહ્યા છે. પાણીની અછતને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે.દાનહના રુદાના મારગપાડા ખાતે પ્રશાસન દ્વારા અઠવાડિયે 2 દિવસ ટેન્કર દ્વારા પાણી આપવામાં આવી રહ્યું છે. આથી લોકો પાણીનો સંગ્રહ કરવા માટે રોડ ઉપર મોટા ડ્રમ, તપેલા વગેરે રાખવાની ફરજ પડી રહી છે.
દાનહના ભેંસદા જામનપાડા ખાતે રહેતા લોકો પણ પાણી માટે વલખાં મારી રહ્યા છે.ભેંસદા જામનપાડાના રહેવાસીના કહેવા પ્રમાણે પાણીના ટેન્કર દ્વારા કોઈ વખત 2 દિવસે કે કોઈ વખત 3 દિવસે પાણી આવે છે.જ્યારે પાણીના ટેન્કર આવે ત્યારે લોકો પાણી માટે લાઈનો લગાવવી પડે છે. ઘરના બાળકોથી લઈને વૃધ્ધો સુધીના લોકો ડોલ, ઘડા લઈને પાણી માટે લાઈનોમાં ઉભા રહેવું પડે છે. આવી જ કંઈક પરિસ્થિતિ ભેંસદા બેલ પાડામાં છે. પાણી માટે બનવવામાં આવેલ બોરમાંથી પાણી નીકળતું નથી અને કૂવાઓ સુકાઈ ગયા છે.
બેડપા ફણસપાડાના રહીશોની પરિસ્થિતિ વધારે ગંભીર છે.અહીં પાણીના ટેન્કર પણ આવતા નથી.ગામના લોકોએ પાણી માટે ત્રણ કિલોમીટર દૂર ડુંગર અને ખેતરોમાંથી ચાલીને જવું પડે છે.પીવાના પાણી માટે આટલા દૂર જવું પડે તેમ હોય ત્યારે નાહવા, કપડાં ધોવા કે વાસણ ધોવા માટેના પાણી જેવી બીજી જરૂરિયાત પુરી કરવી મુશ્કેલ છે.
રુદાના, ભેંસદા જામન પાડા, ભેંસદા બેલ પાડા, બેડપા ફણસ પાડાના લોકોનું કહેવું છે પ્રશાસન દ્વારા અમારી પાણી સમસ્યા દૂર કરવા પૂરતું ધ્યાન આપવામાં આવે અને અમને દરરોજ પૂરતા પ્રમાણમાં પાણી પહોંચે એવી વ્યવસ્થા કરવામાં આવે જેથી કરીને અમારું જીવન પ્રભાવિત ન થાય. અમારા બળદ, ગાય,ભેંસ , બકરી જેવા પશુઓને પૂરતું પાણી મળી રહે એ બાબતે ધ્યાન આપવામાં આવે.
જલ શક્તિ મંત્રાલયના આંકડા મુજબ દાનહ અને દમણ દિવના 96 ગામના 85,156 ઘર સુધી નળનું જોડાણ આપીને પાણી પહોંચતું કરી દેવામાં આવ્યું છે. દાનહ અને દમણ અને દિવને હર ઘર નલ સે જળ યોજના દ્વારા દરેક ઘરને નલ દ્વારા પાણી પહોંચતું કરવા માટે પ્રમાણિત (સર્ટિફિકેટ) પણ આપવામાં આવ્યું છે. પરંતુ દાનહની જમીની સ્તરની હકીકત અને મંત્રાલયના રિપોર્ટમાં આવી વિસંગતાઓ ખૂબ મોટા સવાલો ઉભા કરે છે.