રાજપીપલા: ગરૂડેશ્વર પોલીસ સ્ટેશન દ્વારા મળેલ માહિતી અનુસાર વાંસલા ગામ વિસ્તારમાં આવેલા સુર્યમુખી હનુમાનજી મંદિરની અક્તેશ્વર તરફ આવેલી દિવાલને અડીને સ્લેબ ભરવાની કપચીના ઢગલાની બાજુમાં ઉનાળાની કાળઝાળ ગરમીના કારણે લુ-લાગવાથી તેમજ શરીરમાં પાણીની ઉણપના કારણે એક અજાણી મહિલાનું મૃત્યુ નિપજ્યું હતું.

DECISION NEWS ને મળેલ માહિતી મુજબ જેની માહિતી મૂળ ભોપાલ (મધ્યપ્રદેશ) ના જબલપુર જિલ્લાના રહેવાસી તેમજ ગરૂડેશ્વરના વાંસલા ખાતે સ્થાયી થયેલા સીતારામ જમનાપ્રસાદ શર્માએ આપી હતી. જેઓ મંદિરના કંપાઉન્ડમાં સાફસફાઈ અર્થે ગયા હતા. ત્યાં મૃત હાતહાલતમાં જોવા મળેલ આ મહિલાનું વર્ણન આ મુજબ છે. આ મહિલાએ કાળા રંગનું તથા તેમાં સફેદ રંગના લંબચોરસ ટપકા વાળુ અડધી બાયનું ગાઉન પહેરેલું છે અને મૃતદેહનું શરીર પાતળી કાઠીનું અને ઉંમર આશરે ૫૮ વર્ષ હોવાનું અનુમાન છે. જેઓની હાલ ઓળખ થઈ શકી નથી. તપાસ દરમિયાન વાલીવારસાની કોઈ ભાળ કે પત્તો મળી આવેલ નથી. તેમ ગરૂડેશ્વર પોલીસ સ્ટેશન તરફથી જણાવાયું છે.

આ અંગે જે કોઈ વ્યક્તિને આ વ્યક્તિની ભાળ કે પત્તો મળે તો નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવી જેથી પોલીસને શોધખોળમાં અને વાલીવારસાને જાણ કરવામાં સરળતા રહે.