વલસાડ: અતુલ હરિયા ફાટક પાસે રહેલી પરિણીતાએ લગ્નના ચાર મહિનામાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા તેના પતિ અને સસરા સામે મરી જવા મજબૂર કર્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. પરિણીતાના લગ્ન બાદ તેના પતિ અને સસરા દ્વારા માનસિક ત્રાસ અપાતા પરિણીતાએ કંટાળી પોતાના ઘરે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હતી. પોલીસે આરોપી પતિ અને સસરાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

DECISION NEWS ને મળેલ માહિતી મુજબ વલસાડમાં રહેતી પ્રીતિ યાદવના 18 જાન્યુઆરી 2024ના રોજ પોતાના સમાજના રીત રિવાજ મુજબ ગણેશ ઉમાશંકર યાદવ સાથે લગ્ન થયા હતા. જો કે, પ્રીતિ અને ગણેશના લગ્નમાં ગણેશના માતાપિતા આવ્યા ન હતા. ગણેશના પરિવારજનો પોતાના પુત્ર એવી છોકરી સાથે કરાવવા માગતા હતા કે જેના દ્વારા દહેજ આપવામાં આવે. જો કે, ગણેશના માતાપિતાની ગેરહાજરીમાં જ ગણેશ અને પ્રીતિના લગ્ન થયા હતા. ત્યારબાદ ગણેશ અને પ્રીતિને તેના ઘરમાં પ્રવેશ ન અપાતા તેઓ અલગ અલગ વિસ્તારમાં રહેતા હતા.

ટૂંકા લગ્નજીવન દરમિયાન પ્રીતિનો પતિ ગણેશ અવારનવાર હેરાન પરેશાન કરતો હતો. જ્યારે ગણેશના પિતા પણ પ્રીતિને ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કરાયો છે. જેનાથી કંટાળી પ્રીતિએ 2 મેંના રોજ વલસાડના અતુલ હરિયા ફાટક પાસે આવેલા મકાનમાં ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હતી.

પિતા-પુત્ર સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા આપ્યાનો ગુનો… પ્રીતિ યાદવના પિતા રામપ્યારે યાદવ દ્વારા પોતાના જમાઈ ગણેશ યાદવ અને જમાઈના પિતા ઉમાશંકર યાદવ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપ્યાનો ગુનો નોંધાવ્યો છે. પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.