ઉમરપાડા: સુરતમાં પગાર મુદ્દે સાથી મિત્રની જ હત્યા કરીને 18 વર્ષથી ફરાર આરોપીને પાંડેસરા પોલીસે પકડી પાડયો છે. આરોપીએ હત્યા કરીને ભાગ્યા બાદ બે વાર વેશપલટો કરી તેની સાથે પોતાનું નામ પણ બદલી નાખ્યું હતું. 10 વર્ષ પહેલાં તેનો અકસ્માતે હાથ પકાઈ જતા સાધુનો વેશ ધારણ કરી યુપીમાં રહેવા લાગ્યો હતો. જે અંગેની બાતમી મળતા પોલીસે આરોપી નારાયણને ઉત્તરપ્રદેશના દંતોલી ગામેથી પકડી પાડયો હતો. ઉલ્લેખનીય છે કે, મિત્રની હત્યા બાદ તેણે વેશ અને નામ બદલ્યું પણ તેના કર્મએ તેને ન છોડ્યો. જે હાથે મિત્રની હત્યા કરી એજ હાથ અકસ્માતમાં કપાયો.
પગાર બાબતે મિત્રને મોતને ઘાટ ઉતાર્યો
પ્રાપ્ત વિગતો મુજબ, 2006માં ભેસ્તાન પાસે સળિયા બનાવવાની કંપનીમાં વોચમેન તરીકે કામ કરતા ભોલા કુર્મી સાથે પગાર લેવા બાબતે ઝઘડો કરીને નારાયણસિંહ ઉર્ફે રાજુ ઉર્ફે સૌરભસિંહ બ્રિજમોહનસિંહ રાજપૂતે આવેશમાં આવી ભોલાને માથાના ભાગે સળિયો મારી દીધો હતો. આ બનાવમાં ભોલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જે અંગે પાંડેસરા પોલીસે હત્યા અંગે ગુનો નોંધ્યો હતો.
પોલીસ ઝડપે તે પહેલા જ ફરાર થયો
હત્યા બાદ નારાયણસિંહ (ઉં.વ. 40, રહે. દંતોલી ગામ,લલૌલી, ફતેપુર, ઉત્તરપ્રદેશ) ફરાર થઈ ગયો હતો. નારાયણસિંહ નહીં મળી આવતા કોર્ટમાંથી સીઆરપીસીની કલમ 70 મુજબનો વોરંટ પણ ઇશ્યૂ કરાયો હતો. નારાયણસિંહ તેના વતનમાં હોવાની બાતમીને સાથે પાંડેસરા પોલીસે વારંવાર ટીમો બનાવીને યુપી મોકલાવી હતી, પરંતુ નારાયણ મળી આવ્યો ન હતો.
પોલીસની ટીમ આરોપીના વતન પહોંચી
પાંડેસરા પીઆઈ એન.કે. કામળિયાના માર્ગદર્શન હેઠળ ડી-સ્ટાફના પીએસઆઈ એસ.જી. ચાવડા તેમજ કોન્સ્ટેબલ હરપાલસિંહની ટીમને બાતમી મળી હતી કે, નારાયણસિંહ ઉત્તરપ્રદેશના દંતોલી ગામમાં વેશપલટો કરીને રહે છે. જેના આધારે પોલીસે વધુ એકવાર ટીમ બનાવીને તેના વતન મોકલાવી હતી. એ પછી પોલીસે ભારે જહેમત બાદ નારાયણસિંહને ઉત્તરપ્રદેશના દંતોલી ગામેથી પકડી પાડયો હતો.
સાધુના વેશ 18 વર્ષ બાદ ઝડપાયો
પોલીસની પૂછપરછ દરમિયાન હત્યારો નારાયણ પહેલા મુંબઈ અને ત્યાંથી કાનપુર ભાગી ગયો હતો. કાનપુરમાં કોઈ તેને પકડે નહીં તે માટે નારાયણે પોતાનું નામ બદલીને રાજુ કરી નાંખ્યું હતું. આ સાથે જ તે ડ્રાઇવિંગનું કામ કરતો હતો. 2014માં નારાયણને રોડ અકસ્માત નડયો હતો અને તેનો ડાબો હાથ કપાઈ ગયો હતો. ત્યારબાદ ફરીવાર તેણે વેશ પલટો કરીને સાધુનો વેશ ધારણ કરી લીધો હતો. પોલીસે 18 વર્ષથી ભાગતા ફરતા નારાયણસિંહને ઝડપી લઈ સરાહનીય કામગીરી કરી છે.