પ્રતીકાત્મક ફોટોગ્રાફ્સ

વલસાડ: ધો. 10 અને ધો. 12ના અભ્યાસ પછીના કારકિર્દી ઘડતર માટેના મહત્વપૂર્ણ તબક્કામાં વિદ્યાર્થીઓના સર્વાંગી માર્ગદર્શન માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્ય સરકારના માહિતી ખાતા દ્વારા ‘‘કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક-2024’’ પ્રકાશિત કરવામાં આવ્યો છે. ધો.10 અને 12 પછી ઉપલબ્ધ અભ્યાસક્રમો, કોલેજો, યુનિવર્સિટીઓ, કારકિર્દીના વિવિધ વિકલ્પો, રોજગારી-સ્વરોજગારીની તકો, વિદ્યાર્થીઓ માટે ઉપયોગી અભ્યાસને લગતી બાબતો, મહત્વપૂર્ણ શૈક્ષણિક અને વ્યાવસાયિક જાણકારી સહિતની અનેકવિધ કારકિર્દીલક્ષી ઉપયોગી માહિતી આ વિશેષાંકમાં સામેલ છે.

કારકિર્દી ઘડતરમાં એન્જિનિયરિંગ અને મેડિકલ ફિલ્ડની વિવિધ શાખાઓ, આધુનિક સમયમાં કારકિર્દીના ઉમદા વિકલ્પો, કાયદા, કૃષિ, એરોસ્પેસ, સહિતના ક્ષેત્રે કારકિર્દી વિષયક માર્ગદર્શન ઉપરાંત રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટી, ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થા, ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓના વિવિધ અભ્યાસક્રમો, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા અને ન્યૂ મીડિયા ક્ષેત્રમાં તકો અને બેન્કિંગ ક્ષેત્રમાં કારકિર્દી સહિતનું માર્ગદર્શન તેમજ યુ.પી.એસ.સી, જી.પી.એસ.સી સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિષયક માર્ગદર્શન પણ આ અંક્માં સમાવિષ્ટ છે.

કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક જિલ્લા માહિતી કચેરી, જિલ્લા સેવા સદન 1, પહેલો માળ, ધરમપુર રોડ, વલસાડ ખાતેથી
રૂ.20/-ની કિંમતે વહેલા તે પહેલાના ધોરણે મળી શકશે.