નવસારી: લોકો અત્યારે મોંઘવારીથી ત્રસ્ત છે. એમાંય હમણાં વીજ કંપનીઓ દ્વારા સ્માર્ટ મીટરો લગાવવાનું શરુ કરાતાં ઠેર ઠેર લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. વડોદરા, સુરત, સુરેન્દ્રનગર સહિતના અનેક સ્થળોએ લોકોએ સ્વયંભૂ સ્માર્ટ મીટરોનો વિરોધ શરુ કરી દીધો છે. ત્યારે આજે આમ આદમી પાર્ટી નવસારી દ્વારા નવસારી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું..

જુઓ વિડીયો..

આમ આદમી પાર્ટી નવસારીના પ્રમુખ પંકજ પટેલ Decision News સાથે વાત કરતાં જણાવ્યું કે ગુજરાતમાં ફિકસ-પે અને કોન્ટ્રાકટ પર કામ કરતા કર્મચારીઓના મધ્યમ-વર્ગીય પરિવારો માટે સ્માર્ટ મીટરો મરણતોલ ધા છે. વીજળીની બાબતમાં ગુજરાત સરકાર પહેલા જ પાવર પ્લાન્ટ સાથે કરેલા 25 વર્ષના કોન્ટ્રાકટમાં ફેરફાર કરીને ગુજરાતના લોકો ઉપર ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જનો ભાર જે ઉદ્યોગપતિઓએ ભોગવવાનો હતો તે જનતા ઉપર નાખી ચુકી છે. વીજળીનો સરકારી ભાવ જ્યાં 3.95 રૂપિયા છે ત્યાં ફ્યુઅલ એડજસ્ટમેન્ટ ચાર્જ અને સરકારી વેરા ઉમેરતા સામાન્ય વર્ગના પરિવારને એક યુનિટ 8 રૂપિયા 58 પૈસામાં પડે છે. આ અસહ્ય છે. એમાં પાછો આ સ્માર્ટ મીટર અને પ્રિ-પેઈડ કાર્ડનો મરણતોલ ઘા..! જે પરિવારો ટૂંકી આવકમાં ગુજરાન ચલાવે છે. ઘણીવાર તો ઉધાર-ઉછીના કરીને 2-2 બિલ પેનલ્ટી સાથે સામટા ભારે છે એ પ્રિપેઇડ કેવી રીતે રિચાર્જ કરશે? જો પૈસા નહીં હોય તો પૂરું થઇ ગયેલું કેવી રીતે રિચાર્જ કરીને નાના બાળકો, ઘરડાં માં-બાપ કે પરિવારના બીમારો સભ્યને સાચવશે?આ તાત્કાલિક બંધ થવું જ જોઈએ.

જો સ્માર્ટ મીટર પડતા મુકવાની ગુજરાત સરકાર તાત્કાલિક જાહેરાત નહિ કરે તો આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં, ગલી-મહોલ્લાઓમાં જઈને લોકોને વીજળીમાં સરકાર અને પાવર કંપનીઓની મિલીભગતથી ચાલતી ઉઘાડી લૂંટ બાબતે જાગ્રત કરશે. જેમની વીજળી કંપનીઓ બંધ કરશે એમના કનેક્શન અમારી પાર્ટીના કાર્યકરો જઈને સીધા ચાલુ કરશે, રિચાર્જ કરાવવાનો કે બિલ ભરવાનો સાફ ઇન્કાર કરવા માટે લોકોને સમજાવશે.