સાગબારા: મામલતદાર કચેરીમાં કાળઝાળ ગરમીમાં કર્મચારીઓ અને સામાન્ય જનતાને પંખા વગર હાલાકી ભોગવવા મજબુર બન્યાના દ્રશ્યો સામે આવ્યા છે. મામલતદારનાં કેબિનમાં એસી (AC) જ્યારે કર્મચારીઓ અને સામાન્ય જનતા માટે પંખા પણ નસીબમાં નથી..!! બોલો
દક્ષિણ ગુજરાતમાં ગરમીનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે, ત્યારે Decision News ને સામે આવ્યું છે કે સાગબારા તાલુકાકક્ષાએ આવેલ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજેસ્ટ્રેટ કચેરી ખાતે આવેલ મ.ભો.યો.શાખા, પુરવઠા શાખા તેમજ મહેસુલ શાખામાં કામ કરતા કર્મચારીઓ અને સામાન્ય જનતાને કાળઝાળ ગરમીમાં પંખા વગર હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ તમામ શાખાઓમાં પંખાઓની કોઈપણ વ્યવસ્થા નથી અને જે પંખાઓ છે તે પણ બંધ હાલતમાં છે, જ્યારે મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ની કેબિનમાં ગરમી થી રાહત મેળવવા માટે એસી (AC) લગાવવામાં આવેલ છે.
સાગબારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી આ કાળઝાળ ગરમીમાં કચેરીમાં કામ અર્થે આવતી સામાન્ય જનતા તેમજ કર્મચારીઓને કાળઝાળ ગરમીમાં પણ પરસેવાથી રેબઝેબ થઈ જવું પડે છે અને તકલીફનો સામનો કરવાની નોબત આવે છે, ત્યારે આ બાબતે તંત્ર વહેલી તકે કર્મચારીઓ તેમજ સામાન્ય જનતા માટે પણ યોગ્ય વ્યવસ્થા કરે તે જરૂરી બન્યું છે.