વ્યારા: કેનાલ પાસે બીનજરુરી જગ્યાએ પેવર બ્લોક લગાવી બ્યુટિફેકેશન અને સુરક્ષાના નામે બેદરકારી દાખવતા ચીફ ઓફિસર સામે વિભાગીય તપાસ માટે RCM , કલેક્ટર , ચીફ સેક્રેટરી અને રાજ્યપાલને રજુઆત કરવામાં આવી છે.
Decision news ને મળેલી જાણકારી મુજબ છેલ્લાં બે મહિનામાં ત્રણથી વધુ અકસ્માત અને બે અકસ્માતમાં ત્રણ પરિવારોના કરુણ મ્રુત્યુ થયા છે ત્યારે સમગ્ર મામલે મુખ્ય મંત્રી , રાજ્યપાલ , કલેક્ટર , ચીફસેક્રેટરીને અને RCM ને રજુઆત કરી એક અવાજ એક મોર્ચા અધ્યક્ષ રોમેલ સુતરિયા દ્રારા ચીફ ઓફિસર સામે વિભાગીય તપાસ તેમજ કેનાલનાં અકસ્માતે મરણ પામનાર પરિવારોને ૧૦ લાખનુ વળતર આપવા સાથે રજુઆત કવામાં આવી છે.
મળતી માહિતી મુજબ તારીખ ૨૦/૦૫/૨૦૨૧ જા. નં. ઉ.ડા.કા. /પીબી.-૨/રસ્તા પરવાનગી/વ્યારા નગરપાલિકા/૧૭૧૩ ના પત્ર મુજબ આશાવાડી કોલેજ રોડ થી પાનવાડી ગોલ્ડન નગર (કપૂરા રોડ) સુધી નહેરની પશ્ચિમ તરફ એટલે કે ઉકાઈ ડાબા કાંઠા મુખ્ય નહેરની સાંકળ ૩૮૬૨૨ મી થી ૪૦૪૮૦ મી સુધી નહેરના સર્વિસ રોડ પર પાકો ડામર રોડ તેમજ ગોરિયા ફળિયા પાસે નહેર પર બ્રિજ અને સદર નહેરને ક્રોસ કરતાં કોતર પર માઇનોર બ્રિજ લોકહિત માટે બનાવવા માટે એન.ઓ.સી. કાર્યપાલક ઇજનેર , ઉ.ડા.કા.ન.સં.વિ.નર વાલોડ દ્વારા જરૂરી શરતો જેવી કે જરૂરી પ્રોટેક્શનના કામ કરવામાં આવશે તેમ ચીફ ઓફિસરની બાંહેધરી મુજબ આપવામાં આવેલ છે.સદર જમીન સરકાર શ્રી સિંચાઇ વિભાગની રહે છે માટે શરતો નું પાલન કરવું અને લોક હિત માં આપવામાં આવેલ મંજૂરી ની શરતોનું પાલન કરવું ચીફ ઓફિસરની જવાબદારી બને છે.
જાણીતા કર્મશીલ રોમેલ સુતરિયા દ્વારા તેમજ વ્યારા સંઘર્ષ સમિતિ તરફથી એડવોકેટ નિતિન પ્રધાન દ્વારા આ રસ્તા ઉપર જરૂરી પ્રોટેક્શન ના હોવા બાબતે ચીફ ઓફિસરનું અવારનવાર ટેલિફોનિક તેમજ રૂબરૂ મુલાકાત કરી ધ્યાન દોરેલ હતું. કેનાલને અડીને જ એક શાળા પણ આવેલ છે જ્યાં નાના બાળકો શાળાએ અભ્યાસ કરવા આવતા હોય છે,જે પ્રકારની સેફટી રેલિંગ ભૂતકાળમાં લગાવવામાં આવેલ હતી કે જેના નીચીથી કોઈ પણ બાળક કેનાલમાં પડી શકે તેવી ચિંતાએ એક કર્મશીલ તરીકે રોમેલ સુતરિયાએ ટેલીફોનીક રીતે ચીફ ઓફિસરને રજૂઆત કરી હતી. તેમ છતાં ચીફ ઓફિસર દ્વારા સદર મામલે કોઈ કાર્યવાહી હાથ ધરેલ નહીં. સાથે જ આ મામલે વાત કરતા બ્યુટિફિકેશનના નામે કૌભાંડ થયું હોવાની શંકાએ સમગ્ર મામલે તપાસ થવી જોઈએ કારણ સેફ્ટી વોલ બનાવતા નથી અને પ્લેવર બ્લોક બીન જરુરી રીતે કેનાલની વિરુદ્ધ જગ્યાએ લગાવી નગરપાલિકાના સત્તાધીશોએ પ્રજાના ટેક્સના નાણાં વેડફી નાખ્યા છે તેમ એડવોકેટ નિતિન પ્રધાને જણાવ્યુ હતું.
તાજેતર માં કેનાલ પાસેથી સેફટી રેલિંગ હતી તે પણ હટાવી લેવામાં આવતા ઘણા અકસ્માત સર્જાયા હતા તેમજ ઘણા નાગરિકોના કરૂણ મોત કેનાલ માં ડૂબી જવાના કારણે સર્જાય છે.૨ મે ૨૦૨૪ ના રોજ પણ ચીફ ઓફિસર સાથે વાતચીત થઈ હતી. રોમેલ સુતરિયાની રજુઆતના પગલે યોગ્ય સેફટી વોલ તૈયાર કરવા રજૂઆત કરતા પંદર દિવસમાં કામ પુર્ણ કરવાની અને કામ પુર્ણ થાય ત્યાં સુધી રજુઆત ધ્યાને રાખી રસ્તો બંધ રાખવાની વાત ચીફ ઓફિસર દ્વારા કરવામાં આવી હતી. રોમેલ સુતરિયા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું જુઠ્ઠા અને બેદરકાર અધિકારીઓ પ્રશાશન અને પ્રજા બંને માટે જોખમી છે.તેવા અધિકારીઓને જરુરી તપાસ કરી જવાબદારીમાંથી મુક્ત કરી દેવા જોઈએ.
રોમેલ સુતરિયાએ વધુમાં જણાવ્યું હતું કે ચીફ ઓફિસરના કહેવા મુજબ રેલિંગ લગાવવાનું કામ ૨ મે તારીખ ના રોજ શરૂ કરવામાં આવેલ હતું. જે સમય મર્યાદામાં પુર્ણ નથી થયુ સાથે જ ચીફ ઓફિસરની ગંભીર બેદરકારી ત્યાં સામે આવે છે જ્યારે આ માસમાં એક બાઇક સવારનું કેનાલમાં પડી જવાથી કરૂણ મરણ થાય છે. નાની વયના યુવાનનું ચીફ ઓફિસરની બેદરકારીના કારણે મરણ થાય તે સ્પષ્ટ દર્શાવે છે કે વ્યારા ચીફ ઓફિસરે રજૂઆત બાબતે અને પોતાની જવાબદારી બાબતે બિલકુલ ગંભીરતા દાખવી નથી. જેના કારણે છેલ્લા બે મહિનામાં ત્રણથી વધુ અકસ્માતો સર્જાયા છે જેમાંથી બે અકસ્માત માં ત્રણ લોકોના જીવ ગયા છે.એક ટ્રેક્ટર પણ કેનાલ માં પડી જવાની ઘટના છેલ્લા ૫૦ દિવસ માં બની છે તેમ પત્રમાં જણાવ્યું છે.
પત્ર મુજબ નગરપાલિકાને મળેલ પરવાનગી મુજબ અકસ્માતની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકાની રહે છે. અકસ્માત ના સર્જાય તે માટે જરૂરી પ્રોટેક્શન ની જવાબદારી પણ નગરપાલિકા ની રહે છે. સદર જગ્યાએ રેડિયમ સાઇન બોર્ડ તથા પ્રોટેક્શન રેલિંગ કોંક્રીટ બ્લોક્સ નગરપાલિકાએ લગાવવાના રહે છે.જે પ્રકારના કામ અહીં દેખાતા નથી. નગરપાલિકા સદર કેનલની વિપરીત દિશામાં બ્યુટીફિકેશન ના નામે પેવર બ્લોક જ્યાં જરૂર નથી ત્યાં લગાવ્યા છે પરંતુ આસપાસના ગામો ના આદિવાસી પરિવારો જે આ રસ્તાનો સહુથી વધુ ઉપયોગ કરે છે તેમજ વ્યારા નગરના રહિસો જે આ રસ્તાનો ઉપયોગ કરે છે તેમની સેફટી બાબતે જરૂરી પ્રોટેક્શન વોલ કોંક્રિટની તૈયાર કરી શકાતી નથી. આ એક ગંભીર બેદરકારી જણાય આવે છે.
વ્યારા ચીફ ઓફિસર દ્વારા દાખવવામાં આવેલ બેદરકારી બદલ તેઓ સામે વિભાગીય તપાસ કરવા તેમજ નહેર વિભાગની નગરપાલિકાને રસ્તો બનાવવા એન.ઓ.સી. આપ્યા બાદ સર્જાયેલા અકસ્માતમાં મરણ પામનાર પરિવારોને સરકાર તરફથી રૂપિયા ૧૦ લાખનું વળતર ચૂકવવા જરૂરી પગલાં ભરવા રોમેલ સુતરિયાની રજુઆતથી સમગ્ર મામલો જીલ્લામાં ટોક ઓફ ધી ટાઉન બની ગયો છે. હવે જોવાનું તે રહે છે કે સમગ્ર રજુઆત બાબતે તાપી જીલ્લા કલેક્ટર , RCM , ચીફ સેક્રેટરી , રાજ્યપાલ , મુખ્યમંત્રી કચેરીએથી કેવા આદેશ છુટે છે કે પછી નકલી કચેરીઓ ની જેમ તંત્ર અને સરકારની નકલી સંવેદનાઓ સામે આવે છે.