ધરમપુર: ધરમપુરમાં ભારે પવનમાં અંતરિયાળ વિસ્તારના ગામોમાં 40થી વધુ ઘરના પતરાં, નળીયા ઉડી જવાના કારણે પરિવારજનો મુશ્કેલીમાં મુકાઇ ગયાના દ્રશ્યો સામે આવ્યા હતા. આ સાથે કેરીનો પાક પણ ખંખેરાઈ ગયો હતો જેને લઈને ખેડૂતો ચિંતાટુર બન્યા છે.
Decision News ને ટેલીફોનીક ચર્ચા દ્વારા જાણવા મળેલ માહિતી મુજબ છેલ્લા બે દિવસમાં આવેલા વાવાઝોડા સાથે વરસાદ અને કરા પડવાથી ધરમપુરના નડગધરી ગામના ગારબરડા ફળીયામાં ઘણાં ઘરોના પતરાં,નળીયા ઉડી ગયા હતા. અસરગ્રસ્ત ગરીબ અદિવાસીઓના ઘરમાં વરસાદથી અનાજ પલળી ગયું હતું.
ગામના ખેડૂતો જણાવે છે કેરીમાં સારા ભાવમાં હવે વધારો થઇ રહ્યો છે ત્યારે અમને આશા હતી કે કેરી વેચી અમારી આર્થિક મુશ્કેલી દૂર થશે પણ વાવાઝોડા અને વરસાદને કારણે સ્થિતિ દયનીય બની ગઈ. અમુક વિસ્તારોમાં વીજના થાંભલા તૂટી જતાં ગામમાં અંધારપટ છવાય ગયો હતો. પશુ માટેનો ઘાસચારો પણ વરસાદમાં ભીંજાઇ ગયો છે.
કલ્પેશ પટેલ જણાવે છે કે ધરમપુર તાલુકાના ધામણી, તામછડી, પેણધા, મેણધા જેવા ગામમાં પણ ઘરોમાં અને રસ્તા પર આવેલી દુકાનમાં પણ નુકશાન થયાનું નોંધાયું હતું. વાવાઝોડુ, કરા સાથે વરસાદ આવ્યો હોવાથી ઘર,આંબાકલમ, પશુના ઘાસચારામાં મોટાપાયે નુકસાન થયાનું લોકો કહે છે. તો આ બધાને નુકશાન પ્રમાણે વળતર મળવું જોઈએ.