ભરૂચ: ભ્રષ્ટાચારી અધિકારીઓને ઝડપી પાડવા માટે હવે એન્ટી કરપ્શન બ્યુરો સજ્જ બન્યું છે; જેમાં ભરૂચની બહુમાળી બિલ્ડિંગ નાં અધિકારીએ અરજદારને ફેક્ટરી ખોલવા માટે પ્લાન નાં નક્શા મંજૂર કરવા માટે લાંચની માંગણી કરી હોય અને સવા લાખ રૂપિયાની લાંચ લેતા અધિકારી સુરત એન્ટીકરપ્શન નાં છટકા માં ઝડપાઇ જતાં ભ્રષ્ટ અધિકારીઓમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
ભરૂચની બહુમાળી બિલ્ડિંગમાં ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય ની કચેરી આવેલી છે, જેમાં વર્ગ-2 ના મદદનીશ નિયામક (Assistant Director Class-II) જિગરભાઈ જગદીશચંદ્ર પટેલ ને અરજદારે નવી ફેક્ટરી ખોલવા માટે પ્લાન્ટ નકશા મંજૂર કરાવવા જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરી હતી. જે અરજીમાં કેટલીક ક્ષતિઓ કાઢી અધિકારી જિગર પટેલે નકશો પાસ કરાવવા અને ફેક્ટરી ખોલવા માટે બધું થઈ જશે પરંતુ, 1 લાખ 25 હજાર રૂપિયા આપવા પડશે કહી લાંચ માંગી હતી. લાંચની રકમ અરજદાર ચૂકવવા તૈયાર ન હોય અને ભ્રષ્ટાચારી અધિકારી સામે અરજદારે સુરત એન્ટી કરપ્શનમાં ફરિયાદ કરી હતી.
સુરત એન્ટી કરપ્શનને પણ સંપૂર્ણ પ્રકરણમાં લાંચિયા અધિકારીને ઝડપી પાડવા માટે છટકું ગોઠવ્યું હતું. અરજદાર જ્યારે અધિકારીને લાંચની રકમ રૂ.1 લાખ 25 હજાર આપવા ગયા ત્યારે રૂપિયા સ્વીકારતા સમયે સુરત એન્ટીકરપ્શન નાં અધિકારીઓએ ભ્રષ્ટ અધિકારને રંગેહાથ ઝડપી લીધા હતા અને અધિકારી પાસેથી લાંચની રકમ જપ્ત કરી હતી.