આદિવાસી સમુદાયોમાં મરણની ઘટનાને પ્રકૃતિ એ જ સંસ્કૃતિ ના જીવન મૂલ્યો ઉપર આધારિત તેઓનો એક વિશિષ્ટ પ્રસંગ તરીકે ગણવામાં આવ્યો છે. મરણ એ છેલ્લું લગ્ન છે એ પ્રમુખ માન્યતા બધી જ આદિવાસી જાતિઓમાં જોવા તેમજ સાંભળવા મળે છે. તેથી લગ્ન જેવો માહોલ મરણની ઘટના વખતે સર્જાય છે. પ્રકૃતિ અને ઉચ્ચલીયાદેવ સાથે અભિન્ન એકતા સધાય છે.

દક્ષિણ ગુજરાતના આદિવાસીઓના વિવિધ સમુદાય ગામીત, વસાવા, ચૌધરી અને ડાંગી સાથે પોતાના જીવનના ત્રણ દાયકાઓથી પણ વધુ સમય ફાળવીને આદિવાસી જીવનના મૂળમૂલ્યોને બારીકાઈ થી સમજવાનો પ્રયાસ કરનાર ફાધર રેમન્ડ આલ્ફોન્સ ચૌહાણ એસ.જે દ્વારા રચિત “આદિવાસી સમુદાયોમાં મરણની ઘટના” પુસ્તકનું લોકાર્પણ તારીખ 12 મે 2024 ના રોજ પાનખલા તા.સાગબારા, જીલ્લો નર્મદા ખાતે કરવામાં આવ્યું.

“સવાલ એ નથી કે મૃત્યુ પછી જીવન છે કે નહીં સવાલ એ છે કે મૃત્યુ પહેલા જીવ્યા છો કે નહીં.” મને લાગે છે “આદિવાસીઓ મૃત્યુ પહેલા પૂર્ણપણે જીવે છે.”

“દરેક સંસ્કૃતિ એ વિવિધ માનવ સમુદાયોની વિશ્વના અન્ય માનવોને મળેલી અનન્ય ભેટ છે”
-લેખક ફાધર રેમન્ડ ચૌહાણ (દક્ષિણગુજરાતના સવાયા આદિવાસી રત્ન)

આ પ્રસંગને વધાવી લેવા માટે મુખ્ય અતિથિ તરીકે પ્રસિદ્ધ સાહિત્યકાર, વિવેચક અને નિવૃત્ત અધ્યાપક શ્રી મણિલાલ હ. પટેલ તેમજ ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચર ના કન્વીનર ડોક્ટર ઉત્પલાબેન દેસાઈ હાજર રહ્યા હતા. આદિવાસી એકતા પરિષદના મહાસચિવ શ્રી અશોકભાઈ ચૌધરી, આદિવાસી એકતા પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ડૉ. શાંતિકર વસાવા, આદિવાસી એકતા પરિષદના સાહિત્ય અધ્યક્ષ ડૉ. કનુભાઈ વસાવા તેમજ સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ શ્રી ડૉ. પ્રદીપભાઈ ગરાસીયા એ વિશિષ્ટ ઉપસ્થિતિ આપીને સમગ્ર માનવ સમુદાય નો આભાર વ્યક્ત કર્યો હતો.

પુસ્તક લોકાર્પણના કાર્યક્રમની વિશિષ્ટતા એ હતી કે પ્રકૃતિના પૂરક એવા આદિવાસીઓના સહભાગીતા હેઠળ પુસ્તકનું લોકાર્પણ દીકરીઓના સર્વોદય છાત્રાલય, પાનખલા ખાતે ખાખરાના પાંદડામાં વીટાળીને કરવામાં આવ્યું. આજુબાજુના ગામની આદિવાસી મહિલાઓએ લેખક ફાધર રેમન્ડ ચૌહાણને વસાવી ઢોલના થાપે નાચણા નાચી મંચ ઉપર લઈ જવામાં આવ્યાં. ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી આવેલ આદિવાસી તેમજ બિન આદિવાસી મહેમાનોને પાનખલા થી નજીક આવેલ નવીફડી ગામની મહિલાઓ દ્વારા ખાસ પ્રસંગ માટે જ જાતે બનાવેલા ખાખરના પાનના બાજમાં ભોજન પીરસવામાં આવ્યું.