પારડી: વલસાડ એલસીબી પોલીસ વલસાડના પારડીના વાઘછીપા ગામમાં વાડીમાં ખેલાયેલા ખૂની ખેલનો પર્દાફાશ કરવામાં સફળ રહી હોવાનું સામે આવ્યું છે. પોલીસે વાઘછીપા ગામની જ એક મહિલાની આ હત્યાના સંદર્ભમાં ધરપકડ કરી છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા પારડીના નાના વાઘછીપા ગામની વાડીમાં એક આધેડની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી.જેને જોવા લોકો એકઠા થઇ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. જગ્યા પર પોલીસને મળેલી પ્રાથમિક માહિતી મુજબ ખેતીમાં કામગીરી કરતો મજુર સુભાષ પટેલ શેરડીના ખેતરમાં પાણી પીવડાવવા ગયો હતો. તે સમયે વાડીમાં જીતુભાઈ પટેલ નામના એક વ્યક્તિ ઊંઘી રહયા હોય તેવી હાલતમાં તેમણે જોયા.. સુભાષને શંકા ગઈ તેણે નજીક જઈ જોયું તો જીતુભાઈ બેહોશ હાલતમાં હોવાનું લાગ્યું.. તેણે આ મામલે ગ્રામના લોકોને જાણ કરી લોકો ઘટના સ્થળ પર આવ્યા જોયું તો જીતુભાઈ ઊંઘની હાલતમાં નહિ મૃત હાલતમાં ત્યાં પડયા હતા.

આ ઘટનાની જાણ પારડી પોલીસને કરવામાં આવી અને પોલીસે તાત્કાલિક જગ્યા પર પોહચી તપાસ હાથ ધરી. મોત શંકાસ્પદ લાગતા પોલીસે સુરતમાં પેનલ પોસ્ટમોર્ટમ કરાવ્યું અને PM રિપોર્ટમાં મૃતકનું માથામાં વાગવાથી અને શ્વાસ રુંધાવાથી મોત થયું હોવાનો બહાર આવ્યું. એટલે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરી તો જીતુ પટેલની હત્યા પાછળ વાઘછીપા ગામની ભારતીબેન પટેલ નામની એક મહિલાની લીંક પકડાઈ અને પોલીસે હાલમાં તેની ધરપકડ કરી છે

Decision Newsના સુત્રો પ્રમાણે પોલીસ તપાસમાં પ્રાથમિક માહિતી મુજબ મૃતક વ્યાજથી પૈસા આપતો હતો. વ્યાજે પૈસા લેનાર વ્યક્તિઓ સાથે બોલાચાલીના બનાવો પણ બન્યા હતા. પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી તો ગામની જ ભારતી પટેલ નામની એક મહિલા મૃતક સાથે સંપર્કમાં હતી. મૃતક જીતુ પટેલે ભારતી પટેલને વ્યાજ પર પૈસા લીધા હતા. ભારતીએ પરિવારજનોથી આ વાત છુપાવી હતી. જીતુ પટેલ અવારનવાર ભારતી પાસે રૂપિયાની માંગ કરતો હતો અને ભારતીની મજબૂરીનો લાભ લઈ બાકી નીકળતા પૈસા પરત લેવાના બહાને તેને શારીરિક સંબંધ બાંધવા માટે બ્લેકમેલિંગ કરતો માટે કંટાળીને ભારતીએ જીતુ પટેલને મોતને ઘાટ ઉતારવાનું આયોજન બનાવ્યું. એક દિવસે જીતુએ ભારતીને વાડીમાં મળવા બોલાવી અને આ મોકો જોઈ ભારતીએ જીતુના માથાના ભાગે ઘા કરી અને ઉપર ચડી તેનું ગળું દબાવી રામ રમાડી દીધા હતા. ઘટનાની હકીકત બહાર આવતા જ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.