નવસારી: ચીખલી તાલુકાના કલીયારી ગામે મધરાત્રે શિરડીથી અમદાવાદ જતી લકઝરી બસ અને આઈસર ટેમ્પો સામ સામે ભટકાતા બને વાહનોના ચાલક સહિત બેના મોત નીપજ્યા હતા. લક્ઝરી બસમાં સવાર 12 મુસાફરોને ઈજા થતાં સારવાર અર્થે ચીખલીની રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
DECISION NEWS ને મળેલ માહિતી મુજબ રાત્રે 1 વાગ્યાના અરસામાં ધડાકાભેર વાહનો અથડાતાં અને મુસાફરોની ચીચીયારીઓથી સ્થાનિકો ધસી આવી કેબિનમાં ફસાયેલાઓને જેસીબીની મદદથી બહાર કાઢયા હતા. શિરડીથી શ્રદ્ધાળુઓને લઈને 29 એપ્રિલના રોજ સાંજે 6 વાગ્યાના અરસામાં લક્ઝરી બસ (નં એએસ – 01- પી – 6793) અમદાવાદ પરત જવા નીકળી હતી. આ દરમિયાન ધરમપુર – ખારેલ માર્ગ પર રાત્રે 1 વાગ્યાના અરસામાં કલીયારી ગામની સીમમાં સામેથી આવતો ટેમ્પો (નં. એમએચ – 15- જીવી – 627) ના ચાલકે લફ્લતભરી રીતે હંકારતા લક્ઝરી બસ સાથે ભટકાઈ હતી. જેને પગલે બસમાં સવાર મુસાફરોએ ચીસાચીસ કરી મુકી હતી. જેને પગલે મોટી સંખ્યામાં સ્થાનિકો ઘટનાસ્થળે ધસી ગયા હતા અને બને વાહનોના કેબિનો સહિત આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કેબિનમાં ફસાયેલા ચાલક સહિતને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા.
જેમાં બસના ચાલક મોહમ્મદસોહેબ મોહમ્મદઈન્દ્રિશ કાપડિયા (ઉં.વ.48) રહે. અફઝલ પાર્ક, જહાંગીર બેકરી સામે, સૈયાદવાડી, વટવા અમદાવાદ) ને ગંભીર ઈજા થતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. બસમાં સવાર 12 જણાને નાની મોટી ઈજા થતાં સારવાર અર્થે ચીખલીની સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે ટેમ્પો ચાલક અશોક આત્મારામ ખરે (ઉં.વ.25, રહે. મસરોળ ગામ તા.જી. નાશિક) ને વધુ સારવાર અર્થે વલસાડ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.