ભરૂચ: ઈન્ડિયા ગઠબંધનની રચના બાદ ગુજરાતમાં બે લોકસભા સીટો પર આમ આદમી પાર્ટીના ઉમેદવારોની જાહેરાત થઈ હતી. ભરૂચ લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૈતરભાઈ વસાવાનું નામ જાહેર કરવામાં આવ્યું હતું.

જુઓ વિડીયો…

DECISION NEWS ને માહિતી મળેલ મુજબ શરૂઆતથી જ કોંગ્રેસ પાર્ટી તરફથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતરભાઈ વસાવાને ખુબ જ સમર્થન આપવામાં આવ્યું હતું, પરંતુ સાથે સાથે કોંગ્રેસમાં ભરૂચ જિલ્લાના કેટલાક સિનિયર આગેવાનોએ ચૈતરભાઈ વસાવાને સમર્થન આપ્યું ન હતું અને એક માંગણી સાથે નારાજગી કરી હતી કે ચૈતરભાઈ વસાવા કોંગ્રેસ પાર્ટીના ચૂંટણી ચિન્હ હેઠળ ચૂંટણી લડે.

પરંતુ આજે કોંગ્રેસના આ નારાજ આગેવાનો દ્વારા ચૈતરભાઈ વસાવા સાથે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં કોંગ્રેસના આગેવાનોએ વિવાદનો અંત લાવીને ચૈતરભાઈ વસાવાને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. રાજપૂત છાત્રાલય ખાતે પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણા, સંદીપ માંગરોલા, સુલેમાન પટેલ સહિતના આગેવાનોની સંયુક્ત પત્રકાર પરિષદ યોજાઈ હતી. જ્યાં આગામી દિવસોમાં ગામે ગામ ચૈતર વસાવા સાથે ખભેથી ખભો મિલાવીને મહેનત કરવાની બાહેધરી આપી હતી. આ સાથે જ તેમણે વિશ્વાસ પણ વ્યક્ત કર્યો કે ચૈતરભાઈ વસાવા આગામી લોકસભા ચૂંટણી ચોક્કસ જીતી જશે.