ડેડિયાપાડા: વિધાનસભાના આપના ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ ઉમેદવારી પત્ર ભર્યુ હતું. ત્યારે તેમની કેટલીક મહત્વની બાબતો ઉડીને આંખે વળગે તેવી છે. 2020 માં દેડિયાપાડા વિધાનસભા બેઠક પર ઉમેદવારી કરનારા ચૈતર વસાવાના હાથ પરની રોકડ 2022 માં 2 લાખ હતી. તેમજ તેમની બન્ને પત્નીઓ શકુંતલાબેન પાસે હાથ પરની રોકડ 2 લાખ અને વર્ષાબેન પાસે 50 હજાર હતી. 2024માં તેમાં કોઇ ફેર પડ્યો નથી. 2000 માં ચૈતર વસાવા પાસે મહીન્દ્રા એસયુવી હતી તે બે વર્ષ પછી પણ એ જ ગાડી વાપરી રહ્યા છે. જેની કિંમત 8 લાખથી ઘટીને 6 લાખ થઈ છે.
Decision News ને મળેલી માહિતી મુજબ 2020માં ચૈતર વસાવા પાસે 3 તોલા સોનું, તેમની પત્ની શકુંતલાબેન પાસે 7 તોલા સોનુ તેમજ વર્ષા બેન પાસે 3 તોલા સોનું હતુ. જેમાં અશંતઃ વધારો થયો છે. હાલમાં ચૈતર વસાવા પાસે 5 તોલા, શકુંતલા બેન પાસે 9 તોલા અને વર્ષા બેન પાસે 5 તોલા એટલે કે ત્રણેયના મળીને 6 તોલા સોનાનો વધારો થયો છે. આ ઉપરાંત તેમની સ્થાવર અને જંગમ મિલ્કતમાં કોઇ ફેર પડ્યો નથી.
સૌથી વધુ જો કોઇ વસ્તુમાં વધારો થયો હોય તો તે પોલીસ કેસ છે. 2022માં ચેતર વસાવા સામે અલગ અલગ 8 કેસો હતા જ્યારે 2 વર્ષમાં તેમની પર થયેલા કેસની સંખ્યા વધીને 13 પર પહોંચી છે. ઉલ્લેખનીય છે કે, ચૈતર વસાવા સામે ભલે પોલીસ કેસમાં વધારો થયો હોય પરંતુ આ પોલીસ કેસ તેમના માટે ફળદાયક સાબિત થયા છે. કેસના લીધે તેમણે અને તેમના પરિવારે સંઘર્ષ કરવો પડ્યો પરંતુ આ કેસના લીધે તેમને આદિવાસી સમાજની સહાનુભૂતિ મળી અને તેમની લોકપ્રિયતામાં વધારો અને ભરૂચના 6 ટર્મના સાંસદ તેમજ સાતમી વાર ઉમેદવારી કરનાર મનસુખ વસાવા સામે ચૈતર વસાવા ટક્કર આપી રહ્યા છે. ગતરોજ હોસ્ટેલ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી ધોમધખતા તાપમાં હજારો સમર્થકો સાથે ચૈતર વસાવાએ જન આર્શીવાદ યાત્રા કાઢી હતી. ચૈતર વસાવાના સંઘર્ષમાં હરહંમેશ તેમની સાથે રહેનાર બંને પત્નીઓ પણ તેમની સાથે રહ્યા હતાં. આ ઉપરાંત કોંગ્રેસના જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ, સહીત અન્ય આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

