ડેડીયાપાડા: આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવીએ ડેડીયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં ડેડીયાપાડામાં પ્રચાર કર્યો હતો અને અનેક ગામોમાં બેઠકો અને જનસંવાદ કાર્યક્રમો કર્યા હતા અને સમગ્ર વિસ્તારમાં લોકો તરફથી ખૂબ જ પ્રેમને આવકાર મળ્યો હતો.

Decision News ને મળેલી માહિતી મુજબ આ પ્રચાર અભિયાન દરમિયાન ઈસુદાનભાઈ ગઢવીએ એક વિડીયોના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ડેડીયાપાડામાં ચૈતરભાઈ વસાવાના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ જ્યારે અમે ચૈતરભાઈના પ્રચાર માટે ગામે ગામ જઈ રહ્યા છીએ, ત્યારે લોકો ખૂબ જ પ્રેમથી સ્વાગત કરે છે, ઢોલ નગારા અને “એક જ ચાલે ચૈતર ચાલે” ના નારા સાથે અમારું સ્વાગત કરે છે. ચૈતરભાઈને ભાજપે જેલમાં મોકલ્યા તેના કારણે આદિવાસી સમાજમાં ખૂબ જ રોષની લાગણી છે. સાથે સાથે ચૈતરભાઈ વસાવા એક આદિવાસી ખેડૂત માટે જેલમાં ગયા તેના કારણે આદિવાસી લોકોમાં ચૈતરભાઈ માટે ખૂબ જ પ્રેમ છે. ન માત્ર આદિવાસી સમાજ પરંતુ સમગ્ર ભરૂચમાં પણ ચૈતરભાઈ વસાવા માટે ખૂબ જ સહકાર જોવા મળી રહ્યો છે.

પરંતુ એક બાબતે ચૈતરભાઈના સમર્થકોને ડર સતાવી રહ્યો છે કે ભાજપ અપક્ષ અને બીજી પાર્ટીઓને ઉભી રાખવાની છે અને ચૈતરભાઈ વસાવાના મતોમાં વિભાજન પડાવશે, જેના કારણે લોકોમાં ખૂબ જ ગુસ્સો છે અને લોકોને બીક છે કે ચૈતરભાઈને હરાવવા માટે ભાજપ જ બીજી પાર્ટીઓને ચૂંટણીમાં ઉતારી રહી છે. બીજી બાબત એ છે કે અમે ગામડે ગામડે ફરીએ છીએ અને અમે જોયું કે છેલ્લા 30 વર્ષમાં મનસુખભાઈએ ગામડાઓમાં કોઈ સારી સરકારી શાળા બનાવી નથી, જેના કારણે પણ લોકોમાં ખૂબ જ ગુસ્સો છે. કારણકે લોકો માને છે કે જો 30 વર્ષમાં સારી સ્કૂલો બની હોત તો ઘણા આદિવાસી દીકરા દીકરીઓ ડોક્ટર, એન્જિનિયર કે અધિકારીઓ બન્યા હોત. બીજી એક બાબત એ કે ગ્રાન્ટની ફાળવણી પણ ગામોમાં સરખી રીતે થઈ નથી તે સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. એક સાંસદની ટર્મમાં 25 કરોડની ગ્રાન્ટ મળતી હોય છે. પરંતુ આ વખતે ભરૂચના લોકો વિચારી રહ્યા છે કે દર વખતે એક જ વ્યક્તિને ચૂંટીને સંસદમાં મોકલીએ છીએ, પરંતુ દિલ્હીમાં ભરૂચની જનતાનો અવાજ ઉઠાવવામાં આવતો નથી. માટે આ વખત ભરૂચના લોકોએ મક્કમ નિર્ણય લીધો છે કે આ વખત કોઈપણ પ્રકારની ભૂલ કર્યા વગર ચૈતરભાઈ વસાવાની જંગી બહુમતીથી વિજય બનાવવામાં આવે.