ડાંગ: ગુજરાતમાં હિટ વેવની આગાહીને પગલે આહવા એસ.ટી. નિગમમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે મેડીકલ કેમ્પનું આયોજન કરાયું હતુ.
હિટ વેવના નોડલ ઓફિસર વ અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હિંમાશુ ગામિતના સહયોગથી આહવા એસ.ટી નિગમના ડ્રાઇવર, કંડક્ટર અને યાંત્રીક વિભાગનાં કર્મચારીઓ માટે આ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. એસ.ટી વિભાગના કર્મચારીઓ ટાઢ, તાપ કે વરસાદ વચ્ચે પોતાની ફરજો બજાવતા હોવાથી તેઓ મહત્તમ તણાવમાં જ તેમની ફરજ બજાવતાં હોય છે.
આ કર્મચારીઓ પોતાનાં આરોગ્ય ઉપર પણ પુરતું ધ્યાન આપી શકતા નથી. નિગમના પાયાનાં કર્મચારીઓને તેમની ફરજ દરમિયાન આરોગ્ય તપાસ અને જરૂરી પ્રાથમિક સારવાર મળી રહે તે માટે એસ.ટી નિગમ-વલસાડના નિયામક શ્રી એન.એસ.પટેલ તેમજ આહવા એસ.ટી ડેપો મેનેજર શ્રી કિશોર પરમારના માર્ગદર્શન હેઠળ, આહવા ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેનો અંદાજીત ૨૫૦ જેટલા કર્મચારીઓને લાભ આપવામાં આવ્યો હતો.