સેલવાસ: કોઈપણ જાતની મંજુરીઓ વગર સેલવાસ નગરપાલિકા હદમાં સરકારી બિલ્ડીંગો બનાવવામાં આવી રહી હોવાનું લોકો કહી રહ્યા છે ત્યારે જો આવનારા દિવસોમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે એ એક ચિંતાજનક સવાલ છે.
Decision News ને મળેલી માહિતી મુજબ મંજુરીઓ વગર સેલવાસ નગરપાલિકા હદમાં સરકારી બિલ્ડીંગો પર પાલિકાના જ સભ્યએ સવાલો ઉઠાવી પાલિકાની નીતિઓ ઉઘાડી પાડી છે. અને પ્રશાસકને પત્ર લખી આ ગંભીર ગણાતી સમસ્યા પર ધ્યાન દોર્યું છે. સેલવાસમાં બાંધકામ અંગે જરૂરી મંજુરીઓ મેળવવી જરૂરી છે. DC રૂલ્સ મુજબ બાંધકામની મંજૂરી, ફાયર વિભાગની એનઓસી, ઓક્યુપન્સી સર્ટિફિકેટ મેળવવી અનિવાર્ય છે. ખાનગી બાંધકામ 1 માટે પાલિકા દ્વારા આ તમામ નીતિનિયમોનું – પાલન કરાવવામાં આવે છે. પરંતુ પાલિકા હદમાં જ કાર્યરત તેમજ નિર્માણાધીન સરકારી બિલ્ડીંગોને આ તમામ નીતિનિયમો સાથે કાંઈ જ લેવાદેવા ના હોય તેમ કોઈપણ જાતની મંજુરી લેવામાં આવતી નથી.
જે મુદ્દે સેલવાસ નગરપાલિકાના જ સભ્ય અને પ્લાનિંગ એન્ડ પબ્લિક વર્ક્સ કમિટીના ચેરમેન ફતેહસિંહ ચૌહાણે પાલિકાની નીતિરીતિ સામે સવાલો ઉઠાવ્યા છે. પ્રશાસક પ્રફુલ પટેલને પત્ર લખી રજૂઆત કરી છે કે ક્રેટોકરખાડાની શાળામાં હજ્જારો બાળકો અભ્યાસ કરે છે ત્યાં બાંધકામની કે ઓક્યુપન્સીની મંજુરી લેવામાં આવી નથી કે ફાયર ફાઈટરના કોઈ ઉપકરણો લગાવવામાં આવ્યા નથી. આ ઉપરાંત નવી કલેક્ટર કચેરી, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, ઓડિટોરીયમ, લાયબ્રેરી,સરકારી કર્મચારીઓના આવાસ, સિવિલ હોસ્પિટલના વિસ્તૃતિકરણ તેમજ નવા સર્કિટ હાઉસ અંગેની પણ કોઈપણ જાતની પરવાનગી લેવામાં આવી નથી. આ મુદ્દે યોગ્ય પગલાં ભરવા પ્રશાસક સમક્ષ માંગ કરવામાં આવી છે.