વ્યારા: વાલોડ તાલુકાના કોસંબીયા ગામની સીમમાં સ્મશાન તરફ જતા રોડની બાજુમાં આવેલ વજીર ચૌધરીની પડતર જમીન પર સુધીર નટુભાઈ ચોધરીની લાશ મળી આવી હતી. તેનો તાપી જિલ્લા એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે દ્વારા ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી ધીધો હોવાનું જાણવા મળ્યું છે.

સ્થાનિક લોકો પાસેથી Decision News ને મળેલી માહિતી મુજબ વાલોડ તાલુકાના કોસંબીયા ગામની સીમમાં સ્મશાન તરફ જતા રોડની બાજુમાં આવેલ વજીર ચૌધરીની પડતર જમીન પર સુધીર નટુભાઈ ચોધરીની લાશ મળી આવી હતી. તેને લઈને વાલોડ પોલીસે હત્યા ગુનો નોંધ્યો હતો. આ ઘટનાને લઈને તાપી જિલ્લા એલસીબી તથા વાલોડ પોલીસ દ્વારા હથિયારાઓની શોધખોળ હાથ ધરવામાં આવી અને  તાપી જિલ્લા એલસીબી તથા પેરોલ ફર્લો સ્ક્વોર્ડને સીસીટીવી કેમેરા તેમજ ટેકનિકલ સર્વેલન્સ અને ખાનગી રાહે બાતમી મદદથી હત્યાના ગુનામાં સંડોવાયેલ વાલોડના કુભીયા ગામના  હોળી ફળીયામાં રહેતા જયેશ સુખા ચૌધરી અને બારડોલીના મઢી ગામમાં સાંઈ નાથ નગર સોસાયટી,બેડી ફળીયામાં રહેતા વિકાસ ભુપેન્દ્ર ચૌધરીની અટકાયત કરી હતી.

બંને આરોપીની પોલીસે પૂછપરછ કરતાં સુધીરએ જયેશના મિત્ર વિકાસને કહ્યું હતું કે,” તારી જમીન હું વેચાવા દેવાનો નથી.” તેવી વાત કરી વિકાસની સાથે ઝગડો કરવા લાગ્યો હતો. જેથી વિકાસ વાડીએથી ઉઠીને જતો રહ્યો હતો. અને ત્યાર પછી સુધીર અને જયેશ એક બીજા સાથે બોલાચાલી કરી ગાળો બોલવા લાગ્યા હતા. અને સુધીર જયેશના કપડા પકડી ખેચવા લાગ્યો હતો. ત્યારે જયેશને ગુસ્સો આવતા પોતાના ગળામાં સફેદ ગમછો રાખેલ હતો તે કાઢીને સુધીરના ગળામાં નાંખી જોરથી ખેંચી સુધીરને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. ત્યારબાદ જયેશ અને વિકાસે સાથે મળી લાશને મોટર સાયકલ પર લઈ ગયા હતા અને કોસંબીયા ગામની સીમમાં આવેલ સ્મશાન તરફ જતા કાચા રોડની બાજુમાં સુમસન જગ્યાએ ઝાડીમાં લાશ મુકી નાસી છૂટયા હતા. હાલમાં આ બંને આરોપીઓને વાલોડ પોલીસને સોંપવામાં આવ્યા છે અને વાલોડ પોલીસે આગળની કાર્યવાહી કરી રહી છે.