ભરૂચ: મનસુખ વસાવાએ ચૂંટણીપ્રચાર દરમિયાન લોકોને કહ્યું કે આપણી સરહદો પહેલાં સુરક્ષિત નહોતી. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચીનની બોર્ડર પરથી ઘૂસણખોરો ઘૂસી જતા હતા. ચૈતર વસાવા સાથે પશ્વિમ બંગાળમાંથી આવતા રોહિંગ્યા ફરે છે, મારી પાસે ફોટા પણ છે એટલે બધા ચેતજો. રોહિંગ્યા લોકો પશ્વિમ બંગાળમાંથી દિલ્હી, પંજાબ થઈ ગુજરાતના ભરૂચ, વાલિયા, ઝઘડિયા, જંબુસર અને ડેડિયાપાડામાં ફરી રહ્યા છે, એટલે બધા સાવધાન રહેજો.

આ મુદ્દે ડેડિયાપાડાના આદિવાસી ધારાસભ્ય ચૈતર વસાવાએ ફોન પર જણાવ્યું કે મારી સાથે પ્રચારમાં ભરૂચ કોંગ્રેસના મુસ્લિમ આગેવાનો ફરે છે. એ લોકો મને માર્ગદર્શન પણ આપે છે. એટલે તેમને ટાંકીને જ મનસુખ વસાવાએ આવું નિવેદન કર્યું છે.

મનસુખ વસાવા પુરાવા આપે આમાંથી રોહિંગ્યા કોણ છે? તેમને રોહિંગ્યા કહી મનસુખ વસાવાએ મુસ્લિમ સમાજનું અપમાન કર્યું છે. મનસુખ વસાવા મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરે છે. મુસ્લિમ સમાજ જાગ્રત છે એટલે મુસ્લિમ સમાજ આનો જવાબ લોકસભા ચૂંટણીમાં આપશે.