ચીખલી: ચીખલી તાલુકામાં પોતાની ખાખી વર્દીનો પોલીસ બેંડામાં રોફ જમાવતા પીઆઈ ની ટુંકાગાળામાં જ બદલી દેવામાં આવી છે. એવું જાણવા મળી રહ્યું છે કે સત્તાધારી પક્ષના નેતાઓ સાથે અણબનાવ બન્યો હતો જેના કારણે આ બદલી થઇ છે.
Decision News ને મળેલી માહિતી મુજબ ચીખલી પોલીસ મથકના PI ભાગ્યેશ ચૌધરીની ખાખી વર્દીની રોફ જમાવવાની નીતિરિતીને પગલે હંમેશા ચર્ચામાં રહ્યા હતા. સત્તાધારી ભાજપ પક્ષના નેતાઓ સાથે પણ ઘર્ષણના બનાવો બનતા કેટલીક વખતે કાર્યકરોનું પણ મોરલ તૂટે તેવો ઘાટ સર્જાતો હતો. આ ઉપરાંત આઈપીએસ અધિકારીની સ્ટાઈલમાં ચેમ્બરમાં જવા પહેલાં ફોન બહાર મૂકી જવાનું ફરમાન તથા કેટલાક જમીન પ્રકરણમાં પણ અનેક ચર્ચાઓ બહાર આવતાં ભાજપના સ્થાનિક નેતાઓ દ્વારા તેમના વિરૂદ્ધ સતત ઉચ્છ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી. પીઆઈ ચૌધરીની નીતિરીતિમાં સત્તાધારી પક્ષની છબી પણ ખરડાઈ તેવી સ્થિતિમાં ચૂંટણીની જાહેરાત પૂર્વે ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ રેલ્વેમાં ગૃહ વિભાગ દ્વારા બદલીનો હુકમ કરી દેવાયો હતો.
PI ચૌધરીની બદલીથી સ્થાનિક આગેવાનોમાં ખુશી સાથે પોલીસ બેડામાં પણ રાહતની લાગણી ફેલાઈ હોવાનું જાણવા મળ્યું હતું. પીઆઈ ચૌધરીને નિમણૂકના દસેક માસમાં ટૂંકા ગાળામાં જ રવાના કરી દેવાયા હતા. ચીખલીમાં નવા પી.આઈ તરીકે એસઓજી પીઆઈ એ.જે.ચૌહાણ સાથે પીએસઆઈ એસ.પી.પટેલની નિમણુંક કરવામાં આવી છે. વધુમાં નવા ડિવિઝનમાં ડીવાયએસપી તરીકે નિયુક્ત થયેલા ભગીરથસિંહ ગોહિલ આજે હાજર થઈ ચાર્જ સંભાળી લીધો હતો.