ધરમપુર: ડિજિટલ ઇન્ડિયાની ખૂબ મોટી વાતો કરતા હોઈએ છીએ અને સાંભળતા પણ હોઈએ છીએ. સરકારનો ડિજિટલ ઇન્ડિયાનો અભિગમ પ્રશંસનીય છે પરંતુ આજે પણ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરિયાળ એવા ખોબા, ભૂતરૂણ, વાંગણ સહિતના 10 કરતા વધારે ગામડાઓમાં નેટવર્કર ન હોવાથી ડૂંગર ઉપર જઈને શિક્ષણ, આરોગ્યને લગતી ઇમરજન્સી સુવિધાઓ સહિતના અન્ય કામો કરવા માટે મજબૂર છે.

આ ગામડાઓ મહારાષ્ટ્ર રાજ્યની સરહદ પર આવેલ છે જે તાલુકા મથક થી 55 કિલોમીટર દૂર છે, આ વિસ્તારમાં નેટવર્ક માટે લોકોએ કલેકટર, મામલતદાર સહિતના અધિકારીઓને અનેકવાર રજૂઆત કરી હોવા છતાં BSNL નાં અધિકારીઓ છેલ્લા 3 વર્ષથી માત્ર સર્વે કરી લોકોએ આશ્વાસન આપે છે. મોબાઇલ ટાવર આવી જશે, પરંતુ આજદિન સુધી ખોબા સહિત અનેક ગામો નેટવર્ક થી વંચિત છે.

મહત્વનું છે કે, આ ગામો અંતરિયાળ અને ડુંગર વાળા વિસ્તારના હોવાથી આજે પણ નેટવર્ક ન મળતા ત્યાં વસવાટ કરતા લોકોએ નેટવર્ક ને લગતી બધી સુવિધાઓ થી વંચિત રહી જાય છે. મોબાઇલના ટાવર નહિ હોવાથી નેટવર્ક આવતું નથી. વાતચીત કરવા માટે ડુંગરો પર ભટકવું પડે છે. ઇમજન્સીમાં પણ આ ગામના લોકોને ઝડપથી મદદ મળી શકતી નથી. સ્થાનિક રહેવાસીઓની એવી માંગ છે કે જો અહીં ટાવર લગાવવામાં આવે તો ડિજિટલ નેટવર્કને લગતી સમસ્યા દૂર થાય તેવી છે. જેમકે શાળાઓમાં કરવામાં આવતી ઓનલાઈન માહિતી, નેટ બેન્કિંગ, બીપીએલ કાર્ડ કુપન કાઢવી, સોશ્યલ મીડિયા, ઓનલાઈન ક્લાસિસ, ઓનલાઈન પરીક્ષા સહિતની ઘરે બેઠા કરી શકાય એવી વિવિધ સુવિધાઓથી લોક વંચિત રહી જાય છે. સ્થાનિક લોકોની માંગ છે કે, વહીવટી તંત્ર વહેલી તકે યોગ્ય તપાસ કરી અમારી ઘણા વર્ષોની માંગ હોવા છતાં કેમ ટાવર મુકાયા નથી. જેની યોગ્ય દિશામાં તપાસ કરી ટાવર મૂકી આપવામાં આવે.

સામાજિક કાર્યકર નિલમભાઈ પટેલ જણાવે છે કે, સરકારી તંત્રને વારંવાર રજુઆત કરવા છતાં પણ ગામ લોકોની આ માંગ ધ્યાને લીધેલ નથી, આસ પાસના ગામના લોકો તેમજ ખાસ કરીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ થી હું વ્યથિત છું. આગામી ટૂંક સમયમાં આ લોક સમસ્યાનો નિકાલ ન કરવામાં આવે તો, ગ્રામસમુદાય સાથે જિલ્લા કલેકટર કચેરી વલસાડ સામે ધરણાં પર બેસવાની ફરજ પડશે.