ચીખલી: ચીખલીના સાદકપોર ગટરના કામ મુદ્દે સરપંચ અને અન્ય એક શખ્સ સાથે તકરારમાં સામ સામી પોલીસ ફરિયાદ થઈ છે. જેમાં સરપંચ સામે એક્ટ્રોસીટી એક્ટની ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. આ વિવાદ ગટર કામનો હોવાનું હાલમાં જાણવા મળી રહી છે.
Decision News ને મળેલી જાણકારી પ્રમાણે ચીખલી તાલુકાના સાદકપોર ગામના સરપંચ સંજય મગનભાઈ કોળી પટેલ (રહે. સાદકપોર ગોલવાડ ટેકરા ફળિયા તા.ચીખલી) નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું કે તેઓ શુક્રવારના રોજ સાદકપોર ચાડિયા ફળિયામાં ગટરનું કામ ચાલુ હોય જ્યાં સભ્ય ભારતીબેન સાથે ઉભા રહી ગરનાળા વધારે નાંખવા બાબતે વાત કરી રહ્યા હતા. તે દરમ્યાન મહેન્દ્રભાઈ કનુભાઈ ધોડિયા પટેલનાઓ આવી જણાવેલ કે મારા કાકાના દીકરાનું આવાસ કેમ પાસ નહી કરતાં ત્યારે સરપંચ સંજયભાઈએ જણાવેલ કે તમારે પંચાયત પર આવીને ફોર્મ ભરવું પડશે અને હાલે કોઈ આવાસ બનતા નથી અને હાલે હળપતિના જ ખાલી આવાસના ફોર્મ ભરાઈ છે. તેમ જણાવતા જ મહેન્દ્રભાઈ એકદમ ઉશ્કેરાઈ જઈ સરપંચ સંજય પટેલને મા- બેનની ગમેતેમ ગાળો આપી ઝપાઝપી કરી માર મારવા લાગેલ અને ધમકી આપ્યાની ફરિયાદ મહેન્દ્રભાઈ વિરુદ્ધ કરી છે.
જ્યારે સાદકપોર ગોલવાડ ટેકરા ફળિયા ખાતે રહેતા મહેન્દ્રભાઈ કનુભાઈ ધોડિયા પટેલ (ઉ.વ.આ – 32) એ આપેલ ફરિયાદમાં જણાવ્યાનુસાર અમારા ફળિયામાં ભારતીબેનની જમીનમાં ગટર લાઈનના નાળા નાંખી પાણી નિકાલ કરવા માટે કામ કરતાં હતા. જે બાબતે મે સરપંચને જણાવતા સરપંચ સંજય પટેલ એકદમ ઉશ્કેરાઈ જઈ ગમેતેમ ગાળો આપી તમારે આવાસ જોઈતા હોય તો પંચાયત પર દસ વખત આવવું પડશે અને વધુ ઉશ્કેરાઈ જઈ ઢીકા મુક્કીનો માર મારી જણાવેલ કે અમારા કામમાં દખલ અંદાજી કરશો તો જાનથી મારી નાંખીશ અને હાથમાં તીક્ષ્ણ હથિયાર બતાવી મને સાલો આદિવાસી શું સમજે તેમ કહી ગાળો આપી માર મારતાં મહેન્દ્રભાઈ પટેલને શરીરે નાની મોટી ઈજાઓ થઈ હતી. આ બનાવમાં સરપંચ વિરુદ્ધ એક્ટ્રોસીટી એકટનો ગુનો નોંધાયો છે.

